૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે પણ એ તો નર્યું અંધપણું છે, મૂઢતા છે. આનંદના નાથ પ્રભુ આત્માને ભૂલીને શુભભાવના પ્રેમમાં પડવું એ તો વ્યભિચાર છે બાપુ! અને એનું ફળ ચારગતિની જેલ છે. સમજાણું કાંઈ...?
કહે છે-નાથ! તું જે પદમાં સૂતો છો અર્થાત્ જે શુભભાવમાં અંધ બનીને સ્વભાવના ભાન વિના સૂતો છો તે તારું પદ નથી. આપણે કંઈક ઠીક છીએ એમ માની ભગવાન! તું જેમાં સૂતો છે તે તારું સુવાનું સ્થાન નથી.
કોઈને વળી થાય કે આ તે કેવી વાત? આમાં ધનપ્રાપ્તિની વાત તો આવી નહિ? ભાઈ! ધનપ્રાપ્તિના ભાવ તો એકલું પાપ છે. તેની તો વાત એકકોર રાખ, કેમકે એ તો અપદ, અપદ, અપદ જ છે. અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિની વૃત્તિ જે ઊઠી છે તે વૃત્તિમાં તું નિશ્ચિંત થઈને સૂતો છે પણ તેય અપદ જ છે એમ કહે છે. અહા... હા... હા...! એ વૃત્તિથી રહિત અંદર આનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેનો નિરાકુલ સ્વાદ લેતો નથી અને શુભવૃત્તિના મોહમાં અંધ બન્યો છે? શું આંધળો છે તું? ભાઈ! આ તો પૈસાવાળા તો શું મોટા વ્રત ને તપસ્યાવાળાના પણ ગર્વ ઉતરી જાય એવું છે. વળી તું નવમી ગ્રૈવેયક ગયો ત્યારે જે વ્રત ને તપ પાળ્યાં હતાં તે અત્યારે છેય કયાં? શુક્લ લેશ્યાના પરિણામ બાપુ! ચામડાં ઉતારીને ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવાં તો મહાવ્રતના પરિણામ તે વખતે હતા. પણ એ બધા રાગના-દુઃખના પરિણામ હતા ભાઈ! અહીં કહે છે-ભાઈ! તું એમાં (શુભવૃત્તિમાં) નચિંત થઈને સૂતો છે પણ તે તારું પદ નથી, એ અપદ છે પ્રભુ!
આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. ભગવાનની ભક્તિ આદિ શુભભાવ એનાથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે માટે તે અપદ છે. ભાઈ! આવી વાત તો વીતરાગના શાસનમાં જ મળે. વીતરાગ જૈન પરમેશ્વર જ એમ કહે કે-અમારી સામું તું જોયા કરે અને સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગમાં જ તું સૂતો રહે તો તું મૂઢ છો. કેમ? કેમકે અમે (તારા માટે) પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્ય તરફની વૃત્તિ જે થાય તે વડે જીવની દુર્ગતિ થાય છે. મોક્ષપાહુડમાં પાઠ છે-ગાથા ૧૬ માં-કે ‘परदव्वादो दुग्गइ’–પરદ્રવ્ય તરફના વલણથી દુર્ગતિ છે. તે ચૈતન્યની ગતિ નથી અને ‘सद्दव्वादो सग्गइ होइ’– સ્વદ્રવ્યના વલણથી સુગતિ-મુક્તિ થાય છે. બાપુ! સ્વદ્રવ્ય સિવાય જેટલાય દેવ-ગુરુ- શાસ્ત્ર, શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને સ્ત્રી-પરિવાર આદિ પરદ્રવ્ય છે તેના તરફનું જે તારું વલણ અને લક્ષ છે તે બધો શુભાશુભરાગ છે અને તે તારી દુર્ગતિ છે પ્રભુ! અહા! જગતને સત્ય મળ્યું નથી અને એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે છે. ભાઈ! પુણ્ય વડે સ્વર્ગાદિ મળે પણ એ બધી દુર્ગતિ છે, એમાં કયાં સુખ છે? સ્વર્ગાદિમાં પણ રાગના ક્લેશનું જ ભોગવવાપણું છે. ભાઈ! રાગ સ્વયં પુણ્ય હો કે પાપ હો-દુઃખ જ છે.