સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૩૯
સમાધાનઃ– એ તો કહ્યું ને કે-‘सद्दव्वादो हु सग्गइ हाइ’–સ્વદ્રવ્ય પ્રત્યેના વલણ
અને આશ્રયથી સુગતિ કહેતાં મુક્તિ થાય છે. ભાઈ! આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ. અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ રાગથી રહિત નિર્વિકારી પ્રભુ બિરાજે છે તેમાં રહેવું અને તેમાં ઠરી જવું; બસ આ એક જ કરવા યોગ્ય છે. સમજાણું કાંઈ...?
પ્રભુ! તું અંદર આત્મા છો કે નહિ? અહા... હા... હા! તું અતીન્દ્રિય આનંદસ્વરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો; જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઇન્દ્રિયોનાં સુખ તો દુઃખના-ઝેરના પ્યાલા છે. ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઊઠે છે તે ઝેર છે ભાઈ! અને એમાં આ ઠીક છે એવો હરખનો ભાવ પણ ઝેર છે પ્રભુ! અરે! તું એમાં નચિંત થઈને સૂતો છે? ભગવાન! એ તારું રહેવાનું સ્થાન નથી; એ તો અપદ છે. માટે જાગ નાથ! જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્યધાતુમય છે; ત્યાં જા, તેમાં નિવાસ કર. અહો! સંતો નિસ્પૃહ કરુણા કરીને જગાડે છે.
કહે છે-રાગમાં એકાકાર થઈને સૂતો છો પણ તે તારું પદ નથી પ્રભુ! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. અહા... હા... હા...! એક જ્ઞાયકસ્વભાવથી ભરેલો ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુમય છે અને તે તારું પદ છે. આમ શુભાશુભરાગમાં-અપદમાં રખડવા જા’ છો એના કરતાં એમાં જા ને! ત્યાં વસ ને! ત્યાં જ ઠરી જા ને. લ્યો, આ કરવાનું છે.
હા, પણ જિનમંદિર બંધાવવાં, સ્વાધ્યાય મંદિર બનાવવાં, પ્રભાવના કરવી ઇત્યાદિ તો કરવું કે નહિ?
સમાધાનઃ– ભાઈ! શું તું મંદિરાદિ બંધાવી શકે છે? ધૂળેય બંધાવતો નથી સાંભળને. પર દ્રવ્યનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. માત્ર ત્યાં રાગ કરે છે અને તે પુણ્યભાવ છે. આવો પુણ્યભાવ જ્ઞાનીને પણ આવે છે-હોય છે, પણ છે તે અપદ. જ્ઞાની પણ તેને અપદ એટલે અસ્થાનરૂપ દુઃખદાયક જ જાણે છે. સમજાણું કાંઈ...? દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પ્રભાવના આદિનો રાગ સમકિતીને સાધકદશામાં અવશ્ય હોય છે પણ તે અપદ છે; એકમાત્ર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા પોતે જ સ્વપદ છે. આવી વાત છે.
અહા! કહે છે-ભગવાન! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. ‘ચૈતન્યધાતુવાળું’ -એમેય નહિ, શુદ્ધ ચૈતન્યધાતુમય છે. એટલે શું? એટલે કે કર્મ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ બહારમાં અન્યદ્રવ્યની ભેળસેળ વિનાની તારી ચીજ શુદ્ધ છે;