Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2053 of 4199

 

૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કેમકે એ સર્વ પરદ્રવ્ય તારામાં છે જ નહિ. તેમ જ અંદરમાં રાગાદિ વિકાર રહિત તારી ચીજ નિર્વિકાર શુદ્ધ છે. ભાઈ! જે તારું સ્વપદ છે તે ચિદાનંદઘન પ્રભુ આત્મા બહારમાં અન્યદ્રવ્યની ભેળ વિનાનો ને અંદરમાં પુણ્ય-પાપભાવના વિકારથી રહિત સદાય શુદ્ધ છે. આવું એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્યમાત્ર જે છે તે તારું અવિનાશી પદ છે. માટે દ્રષ્ટિ ફેરવી નાખ અને સ્વપદમાં રુચિ કર, સ્વપદમાં નિવાસ કર.

અહા! અનાકુળ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે; જ્યારે અંતરંગમાં (પર્યાયમાં) ઉત્પન્ન થતા પુણ્ય-પાપના ભાવ-શુભાશુભભાવ આસ્રવ તત્ત્વ છે. તે આસ્રવો એક જ્ઞાયકભાવથી વિરુદ્ધ અને દુઃખરૂપ હોવાથી નાશ કરવાયોગ્ય છે; અને એક જ્ઞાયકભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. કેમ? કેમકે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરવાથી આસ્રવના અભાવરૂપ સંવર, નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે. માટે કહ્યું કે પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર, એમાં જ ઠર, એને જ પ્રાપ્ત કર.

વળી તે શુદ્ધ ચૈતન્યધાતુ સ્થાયી છે. શું કહ્યું? આ શુભાશુભભાવ તો અસ્થાયી, નાશવંત, કૃત્રિમ અને દુઃખરૂપ છે જ્યારે જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા સદા સ્થાયી, અવિનાશી, અકૃત્રિમ અને સુખધામ છે. હવે આવો હું આત્મા છું એવું સાંભળવાય મળે નહિ તે બિચારો અજ્ઞાની શું કરે? ધર્મ માનીને દયા, દાન આદિ કરે પણ એમાં કયાં ધર્મ છે? બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરે અને ચાર ગતિમાં રખડયા કરે! કેમ? કેમકે પુણ્ય- પાપના ભાવ અસ્થાયી છે, દુઃખરૂપ છે. એક માત્ર ચૈતન્યપદ જ ત્રિકાળ સ્થિર અને સુખરૂપ છે. માટે કહે છે-

‘તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.’ છે? અહા! ભાષા તો જુઓ! કહે છે-અનંતકાળમાં તેં એક રાગનો જ આશ્રય કર્યો છે અને તેથી તું દુઃખમાં પડયો છે. પણ હવે શુદ્ધ ચૈતન્યમૂર્તિ-જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય કર કેમકે તે તારું નિજપદ છે, સુખપદ છે. ભાઈ! ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે છે તે ગંભીર છે. ભાઈ! ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માનો અનાદિ-અનંત આ પોકાર છે. અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર બિરાજમાન છે અને ભવિષ્યમાં અનંત થશે; તે સર્વનો આ એક જ પોકાર છે. શું? કે ભાઈ! તને સુખ જો’ તું હોય તો અંતરમાં જા, અંદર સુખનું નિધાન જ્ઞાયકમૂર્તિ ચૈતન્યમહાપ્રભુ પરમાત્મસ્વરૂપે બિરાજે છે તેમાં જા, તેનો આશ્રય કર અને તને તારા નિજાનંદપદની પ્રાપ્તિ થઈ જશે; બાકી તું રાગમાં જા’ છો એ તો દુઃખ છે. આવી વાત છે પ્રભુ!

હા, પણ આપ શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને કયાં લઈ જવા ઇચ્છો છો?