સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૪પ જ છે, હમણાં પણ તે ભગવાનસ્વરૂપ જ છે. હવે રાગના કણમાં રાજી રહેનાર અજ્ઞાનીને ‘હું ભગવાન છું’ એમ કેમ બેસે?
જુઓ, આ મૂળ ગાથા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યની છે; અને આ ટીકા અમૃતચંદ્રાચાર્યની છે. અહા... હા... હા...! આચાર્ય અમૃતચંદ્ર જ્ઞાની, આત્મધ્યાની પરમ અતીન્દ્રિય આનંદ જેની છાપ છે એવા પ્રચુર સ્વસંવેદનને અનુભવતા સ્વરૂપમાં રમતા હતા. ત્યાં જરી વિકલ્પ આવ્યો અને આ ટીકા થવા કાળે થઈ ગઈ. અહા... હા... હા...! છેલ્લે તેઓ કહે છે કે-આ ટીકા અમૃતચંદ્રે કરી છે એવા મોહમાં હે જનો! મા નાચો. ગજબ વાત છે ને!
પણ પ્રભુ! આપે ટીકા લખી છે ને? પ્રભુ! ના કેમ કહો છો? તો કહે છે-ટીકા તો અક્ષરોથી રચાઈ છે; તેમાં વિકલ્પ નિમિત્તમાત્ર છે. અહા... હા... હા...! અનંત પરમાણુઓના પિંડ એવા અક્ષરોમાં હું કયાં આવ્યો છું? અને એ વિકલ્પમાં-વિભાવમાં પણ હું કયાં છું ? હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં છું. તેથી ટીકાનો રચનારો હું-આત્મા છું જ નહિ. ટીકા લખવાની અક્ષરોની-પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકે જ નહિ. આવી વાત છે. ત્યારે અજ્ઞાની બે-ચાર પુસ્તકો બનાવે ત્યાં તો-‘અમે રચ્યું છે, અમે કર્યું છે, અમારું આગળ નામ લખો, અમારો ફોટો મૂકો’-ઇત્યાદિ ફૂલાઈ ને માનમાં મરી જાય છે. અરે ભાઈ! કોના ફોટા? શું આ ધૂળના? ત્યાં (કાગળ ઉપર) તો આ શરીરનો-જડનો ફોટો છે. શું તે ફોટામાં-જડમાં તું આવી ગયો? બાપુ! એ જડનો ફોટો તો જડ જ છે, એમાં કયાંય તું (આત્મા) આવ્યો નથી. એ તો રજકણો ત્યાં એ રીતે પરિણમ્યા છે. આ શરીરના રજકણોય ત્યાં ગયા નથી. અહા! છતાંય પોતાનો ફોટો છે એમ માની અજ્ઞાની ફૂલાય છે-હરખાય છે. પણ બાપુ! જ્યાં રાગ પણ તારો નથી ત્યાં ફોટો તારો કયાંથી આવ્યો? અહા! પ્રભુ! તું કોણ છે તેની તને ખબર નથી.
અહીં કહે છે-‘ખરેખર આ ભગવાન આત્મામાં’-ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન એટલે વાળો-એવા જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળા આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે જે અતત્સ્વભાવે અનુભવાતા ભાવો છે તે અપદભૂત છે. બહુ દ્રવ્ય એટલે રજકણ આદિ પરદ્રવ્ય ને ભાવો એટલે રાગાદિ ભાવો. અહા! અંદરમાં જે પુણ્ય- પાપના ભાવો છે તે અતત્સ્વભાવે અનુભવાય છે. તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી, સ્વસ્વભાવરૂપ નથી તેથી કહે છે અતત્સ્વભાવે-પરસ્વભાવરૂપે અનુભવાય છે. ભાઈ! આ પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, ભક્તિ આદિના પરિણામ અતત્સ્વભાવે અનુભવાય છે અર્થાત્ તેઓ આત્મસ્વભાવે અનુભવાતા નથી. આવી વાત! લોકો જેને ધર્મ માનીને બેઠા છે તે ભાવ અહીં કહે છે, અતત્સ્વભાવે છે. અને અત્યારે એ