૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેનો જાણનાર માત્ર છું-એમ જ્ઞાની જાણે અને માને છે. અજ્ઞાની અનાદિથી શુભાશુભભાવના ચક્રમાં હેરાન-હેરાન થઈ રહ્યો છે. તેને કહે છે-ભાઈ! તે અસ્થાયી ભાવ સ્થાયીપણે રહેનારનું સ્થાન નથી, તે અપદભૂત છે. રહેઠાણ નાખવા યોગ્ય સ્થાન તો એક નિત્યાનંદ પ્રભુ આત્મા છે.
આ અપદભૂતની વ્યાખ્યા ચાલે છે. કહે છે-પુણ્ય-પાપના ભાવ અસ્થાયી હોવાને લીધે રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય છે અને તેથી તેઓ અપદભૂત છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ છે, પંચમહાવ્રતાદિનો જે વિકલ્પ છે અને શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ છે તે બધાય અસ્થાયી છે, અતત્સ્વભાવે છે માટે તે સ્થાતાનું સ્થાન થવા યોગ્ય નહિ હોવાથી અપદભૂત છે. આવી આકરી વાત બાપા!
હવે કહે છે-‘અને જે તત્સ્વભાવે અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે.’
શું કહ્યું? કે જે તત્સ્વભાવે અનુભવાતો અર્થાત્ ભગવાન જ્ઞાનાનંદસ્વભાવે અનુભવાતો એવો ભાવ-આત્મા પદભૂત છે. વળી નિજ સ્વભાવભાવે-ચૈતન્યસ્વભાવે અનુભવાતો આત્મા નિયત અવસ્થાવાળો છે. વળી તે એક છે. પુણ્ય-પાપના વિકલ્પ તો અસંખ્ય પ્રકારના અનેક છે, જ્યારે ભગવાન આત્મા અંદર એકરૂપે છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર સદા એકરૂપે બિરાજમાન છે. વળી તે નિત્ય છે. નિત્યાનંદ પ્રભુ આત્મા નિત્ય છે; અને તે અવ્યભિચારી ભાવ છે. ચૈતન્યમાત્ર-જ્ઞાનમાત્ર ભાવ છે તે સંયોગજનિત નથી તેથી તે અવ્યભિચારી ભાવ છે, અકૃત્રિમ સ્વભાવભાવ છે. હવે આવો આત્મા કદી સાંભળ્યોય ન હોય તે બિચારો શ્રદ્ધાનમાં લાવે કયાંથી? શું થાય? તે બિચારો ચારગતિમાં રઝળી મરે.
અહીં પાંચ બોલથી જ્ઞાનભાવ-સ્વભાવભાવ કહ્યો. કે જ્ઞાનમાત્રભાવ- ૧. તત્સ્વભાવે-આત્મસ્વભાવરૂપ છે, ૨. નિયત છે, ૩. એકરૂપ છે, ૪. નિત્ય છે, અને પ. અવ્યભિચારી ભાવ છે અને તેથી તે સ્થાયી ભાવ છે. તેથી કહે છે તે એક જ સ્થાયીભાવ હોવાને લીધે સ્થાતાનું સ્થાન થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. અહાહા...! નિત્યાનંદ ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા ત્રિકાળ સ્થાયી-ધ્રુવ હોવાથી રહેનારનું