સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧પ૯ નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્માની સન્મુખ થઈને સ્વાદ લેતાં અતીન્દ્રિય આનંદના વેદન સિવાય બીજો સ્વાદ આવતો નથી. માટે ‘द्वन्द्वमयं स्वादं विधातुम् असहः’ દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ છે. દ્વંદ્વમય સ્વાદ એટલે શું? કે જે રંગ- ગંધ આદિ છે તે, જે દયા-દાન આદિનો રાગ છે તે અને ક્ષયોપશમ આદિ જે ભેદ છે તે-એ બધાનો સ્વાદ છે તે દ્વંદ્વમય સ્વાદ છે; જ્ઞાની તે દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ છે અર્થાત્ શુદ્ધ નિત્યાનંદસ્વરૂપના અતીન્દ્રિય સ્વાદને અનુભવતાં તેને દ્વંદ્વમય (ઇન્દ્રિયજન્ય) સ્વાદ હોતો નથી.
કોઈને વળી થાય કે-આ તે વળી (અતીન્દ્રિય) સ્વાદ કેવો હશે? એમ કે- મૈસૂબનો, સાકરનો, રસગુલ્લાંનો, સ્ત્રીના દેહના ભોગનો તો સ્વાદ હોય છે પણ આ સ્વાદ કેવો હશે?
સમાધાનઃ– ભાઈ! સાંભળ બાપા! એ મૈસૂબ, રસગુલ્લાં અને સ્ત્રીના દેહાદિનો સ્વાદ તો ભગવાન આત્માને હોતો જ નથી કારણ કે એ તો બધા જડ રૂપી પદાર્થો છે. અરૂપી ચૈતન્યમય પ્રભુ આત્માને જડ રૂપીનો સ્વાદ કેમ હોય? એ જડનો સ્વાદ તો જડમાં રહ્યો; આત્મા તો એ જડ પદાર્થોને અડતોય નથી. સમજાણું કાંઈ...? હા, એ જડ પદાર્થો પ્રત્યે લક્ષ કરીને જીવ રાગ કરે છે કે ‘આ ઠીક છે’ અને એવા રાગનો સ્વાદ અજ્ઞાનીને હોય છે. પોતાના ચિદાનંદમય ભગવાનને છોડીને પર પદાર્થ પ્રત્યે વલણ કરીને અજ્ઞાની જીવ રાગાદિ કરે છે અને તે રાગાદિનો કષાયલો દુઃખમય સ્વાદ તેને આવે છે. અહીં કહે છે-રાગથી ભિન્ન પડીને આનંદકંદ પ્રભુ આત્મામાં જઈને જેણે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે તેને બીજો સ્વાદ-રાગનો ને ભેદનો સ્વાદ-આવતો નથી. આવો સ્વાનુભવનો સ્વાદ રાગના સ્વાદથી ભિન્ન અલૌકિક છે. અનુપમ છે.
જુઓ, આમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે બોલ આવી ગયા. ૧. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે, કોણ? કે આત્મા-દ્રવ્ય. ૨. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે-તેમાં જે જ્ઞાયકસ્વભાવ છે તે ગુણ છે અને ૩. જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય છે. આ પ્રમાણે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એક જ્ઞાયકભાવથી ભરેલો છે તેનો અંતરએકાગ્રતા કરી અનુભવ કરતાં-તેનો આસ્વાદ લેતાં દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ સિદ્ધ થઈ જાય છે અને ત્યાં બીજા સ્વાદનો-વિપદામય સ્વાદનો અભાવ છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પનો સ્વાદ વિપદાનો સ્વાદ છે અને તેનો અતીન્દ્રિય મહાસ્વાદમાં અભાવ છે. દયા, દાન આદિ વિપદાનો સ્વાદ તો મિથ્યાદ્રષ્ટિપણામાં આવે છે જ્યારે શુદ્ધ એક જ્ઞાયકને અનુભવતા સમકિતીને તો અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ હોય છે અને તેમાં બીજો કષાયલો સ્વાદ હોતો નથી. અહો! ગજબ વ્યાખ્યા છે.