સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૬પ જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા પોતાના સ્વરૂપમાં લીન થઈ પ્રવર્તતાં આનંદનો-નિરાકુળ આનંદનો રસમય સ્વાદ આવે છે. અહા! આવા નિજરસના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે એમ કહે છે. આ સ્ત્રી આદિના શરીર તો ધાનનાં ઢીંગલાં છે. જો બે દિન ધાન ન મળે તો ફિક્કાં ફચ પડી જાય છે; કોઈ સામુંય ન જુએ હેં! પરંતુ ઇન્દ્રાણીઓ જેને હજારો વર્ષે આહારમાં કંઠમાંથી અમૃત ઝરે છે તેમના ભોગ પણ જ્ઞાનીને દુઃખરૂપ લાગે છે, વિરસ લાગે છે-એમ કહે છે. કહ્યું છે ને કે-
અહાહાહા...! કહે છે અન્ય રસ ફિક્કા લાગે છે. એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ-અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ-વીતરાગી સ્વાદની આગળ જગતના ભોગના, વિષયના ને આબરૂના સ્વાદ ફિક્કા લાગે છે. ‘તમે તો મહાન છે, બહુ ઉદાર છો’ ઇત્યાદિ બહુ પ્રકારે પ્રશંસા કરવામાં આવતાં અજ્ઞાની રાજી-રાજી થઈ જાય છે; તેમા તેને રાગનો (હોંશનો) રસ આવે છે. પરંતુ જ્ઞાનીને તે રસ ફિક્કો લાગે છે. અજ્ઞાની રાગના રસમાં રસબોળ થઈ જાય છે. જ્યારે જ્ઞાનીને સ્વરૂપના સ્વાદ આગળ બીજા બધા સ્વાદ ફિક્કા- બેસ્વાદ લાગે છે. ભાઈ! જ્ઞાની ને અજ્ઞાનીની રુચિમાં બહુ ફેર છે. (એકને સ્વરૂપની રુચિ છે, બીજાને રાગની).
હવે કહે છે-‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.’ અહાહાહા...! જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે. વળી કહે છે-
‘જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.’
શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન-ભિન્ન જ્ઞેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં જ્ઞેયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં પરનું જાણવું જે અનેક પ્રકારે છે તે બધુ ગૌણ થઈ જાય છે અને એક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ જ્ઞેયરૂપ થાય છે. અહો! ગજબનો કળશ છે!