૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે? સમાધાનઃ– ભાઈ! સામાન્યનો સ્વાદ ન આવે કેમકે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે.
તો શું ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો? હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય; પણ સામાન્યનું લક્ષ કરીને જે પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે, બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો (પર્યાયનો) એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુલ આનંદનો સ્વાદ છે. સ્વાદ છે તો પર્યાય અને સામાન્ય કાંઈ પર્યાયમાં આવતું નથી, સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે પર્યાયમાં ન આવે પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું ને તેવું પર્યાયમાં જ્ઞાનમાં આવે છે અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. આવી વાત છે.
અહાહાહા...! કહે છે-એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે, અર્થાત્ જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી, એકરૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયરૂપ થાય છે; મતલબ કે બીજા જ્ઞેય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. શું કહ્યું આ? કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાનસ્વરૂપી આત્મા જ્ઞેયરૂપ થઈ જાય છે અને જ્ઞાનમાં જે પરજ્ઞેય-રાગાદિ હતા તે છૂટી જાય છે. પ્રવચનસારમાં (ગાથા ૧૭૨ માં) અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં ન આવ્યું કે- પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે, કેમકે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે. છતાં સામાન્યના લક્ષે જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે. અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો-વિકારનો સ્વાદ કહેવામાં આવે છે.
કોઈને થાય કે આવી વાત ને આવો ઉપદેશ? પણ બાપુ! આ તો તારા માટે ભગવાન કેવળીનાં રામબાણ વચન છે. માટે પરનો મહિમા મટાડી અંદર જા જ્યાં ત્રણલોકનો નાથ ભગવાન આત્મા વિરાજે છે.
હવે કહે છે-‘અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે?’ એમ કે તમે તો આત્માનો સ્વાદ-આત્માનો સ્વાદ-પૂર્ણજ્ઞાનનો સ્વાદ આત્માને આવે છે એમ ખૂબ કહો છો. પરંતુ જે હજી છદ્મસ્થ છે, જેને હજી આવરણ છે, જે હજી અલ્પજ્ઞ છે તેને પૂર્ણરૂપ એવા કેવળજ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે છે?
ઉત્તરઃ– ‘આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે’ તે