સમયસાર ગાથા-૨૦૩ ] [ ૧૬૭ શું ઉત્તર હતો? ‘કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે.’
શું કહ્યું? કે સમ્યગ્જ્ઞાનનો અંશ જે શુદ્ધનય તે આત્માનું શુદ્ધ પૂર્ણસ્વરૂપ બતાવે છે. એટલા માટે શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે; પરોક્ષ સ્વાદ આવે છે કેમકે હજી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી. પરંતુ કેવળજ્ઞાનની પર્યાય કેવી છે તે પ્રતીતિમાં આવી ગયું છે, માટે કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. શાસ્ત્રમાં (ધવલમાં) એવો પાઠ આવે છે કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. જેમ રસ્તે ચાલનારને કોઈ બીજો બોલાવે કે-અહીં આવો, અહીં આવો-એમ મતિ-શ્રુતજ્ઞાન કે જેની સાથે નિરાકુલ આનંદનો સ્વાદ ભેગો છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. દિગંબરનું જૂનું-પુરાણું શાસ્ત્ર ષટ્ખંડાગમ છે તેમાં આ વાત લીધી છે. એનો અર્થ શું? કે મતિજ્ઞાનમાં જ્યાં આત્માનો સ્વાદ આવ્યો તો તે મતિજ્ઞાનનો પૂર્ણ સ્વાદ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદને બોલાવે છે અર્થાત્ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદનું એમાં ભાન થઈ ગયું છે. કેવળજ્ઞાનનો એમાં પ્રત્યક્ષ સ્વાદ નથી પણ એના સ્વાદની પ્રતીતિ થઈ ગઈ છે; અને તે મતિ-શ્રુતનો સ્વાદ વધતો વધતો સ્વરૂપસ્થિરતાની પૂર્ણતા દ્વારા કેવળજ્ઞાનના સ્વાદને પ્રાપ્ત થઈ જશે. કોઈને આમાં એકાન્ત લાગે પણ આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! બાપુ! તું પરને-જડને પરખવામાં રોકાઈ ગયો છો પણ આ ચૈતન્યહીરલાને પરખ્યા વિના ભવના નિવેડા નહિ આવે હોં.
જુઓ, એક મોટો ઝવેરી હતો. હીરા-માણેકનો મહા પારખુ. એક દિવસ રાજા પાસે થોડા હીરા આવ્યા તો નગરના હીરા-પારખુ ઝવેરીઓને બોલાવ્યા. આ મોટો ઝવેરી પણ ગયો. તેણે હીરાની બરાબર પરીક્ષા કરીને કહ્યું કે-હીરાના પાસામાં જરી ડાઘ છે, નહિતર તો આ હીરા અબજો રૂપિયાની કિંમતના થાય. રાજા તેના પર ખુશ થયો અને કહ્યું, જાઓ, તમને બક્ષીશ આપીએ છીએ. ત્યાં વિલક્ષણ દિવાને વચ્ચે પડીને કહ્યું-આજે નહિ, કાલે વાત.
પછી મોડે દિવાન પેલા ઝવેરીના ઘેર ગયા અને ઝવેરીને પૂછયું-વાહ! તમે મહાન હીરા-પારખુ છો પણ અંદર ઘટમાં ચૈતન્ય હીરો શોભી રહ્યો છે તેની પરખ કરી કે નહિ? ઝવેરી કહે-ચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર જ નથી.
બીજે દિવસે ઓલો ઝવેરી બક્ષીસ લેવા રાજદરબારમાં ગયો. રાજા કહે-બક્ષીસ આપો. ત્યારે દિવાન કહે-તેને સાત જુતાં મારો. મૂરખ! તેં પોતાની કિંમત કરી નહિ અને જડની કિંમત કરવા નીકળ્યો છો? રાજા કહે-શું વાત છે? દિવાન કહે-રાજાજી! હું ઝવેરીને ઘેર ગયો હતો અને પૂછયું કે અંદર ચૈતન્યહીરો છે તેની કિંમત શું? તો કહે છે- ચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર નથી. માટે તે મૂર્ખ