Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2087 of 4199

 

૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ સુખ કેમ થાય, આત્મલાભ વા પરમ આનંદની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય અહીં સંતો બતાવે છે. કહે છે-ભગવાન! તું અતીન્દ્રિય મહાપદાર્થ છે અને વસ્તુપણે એક જ છે, અભેદ છે. વળી તું જ્ઞાનસ્વરૂપ છે અને તારો જ્ઞાનસ્વભાવ અભેદ એક જ છે. આવો એક સામાન્ય જે જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થઈ અંતર્લીન થવું તે મોક્ષનો એટલે પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. અહાહાહા...! જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થઈ તેમાં જ રમણતા કરે તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.

હવે કહે છે-‘અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.’

શું કહ્યું આ? કે આત્માનો જ્ઞાનસ્વભાવ સામાન્ય-સામાન્ય ત્રિકાળ એકરૂપ છે. તેમાં એકાગ્રતા થતાં શુદ્ધતાના-મતિશ્રુતજ્ઞાન આદિના અનેક પર્યાયો પ્રગટે છે; પરંતુ જે અનેક પર્યાયો પ્રગટે છે તેઓ, આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પણ એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે અર્થાત્ તેઓ જ્ઞાનસ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિ- શ્રુતજ્ઞાન આદિ ભેદો પ્રગટયા તે બધા સામાન્યમાં અભેદ થાય છે; તેથી અનેકપણું ત્યાં રહેતું નથી.

અહા! ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. પરંતુ અહીં તો જ્ઞાનથી લેવું છે ને? કેમકે જ્ઞાનનો અંશ પ્રગટ છે. આનંદ પ્રગટ નથી, તો તે વડે જ્ઞાનમાં-જ્ઞાન કે જે એક પદ છે તેમાં-એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. અહીં કહે છે-જ્ઞાનમાં એકાગ્ર થતાં જે મતિજ્ઞાન આદિ શુદ્ધતાના ભેદો પ્રગટે છે તે બધા જ્ઞાનપદને ભેદતા નથી, ખરેખર તો તેઓ સામાન્ય એક જ્ઞાનસ્વભાવમાં જ અભેદપણાને પામે છે. ભાઈ! આ અખંડ એકરૂપ જે જ્ઞાયકભાવ તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે. -શું કહ્યું? વસ્તુ-ભગવાન આત્મા-ત્રિકાળ એકસ્વરૂપે છે; અને તેનું જ્ઞાન-ત્રિકાળી જ્ઞાનસ્વભાવ-પણ અભેદ એકસ્વરૂપે છે. હવે એમાં એકાગ્રતાથી શુદ્ધતાના જે અનેક ભેદો ઉત્પન્ન થાય છે તેઓ જ્ઞાનસામાન્યને ભેદતા નથી પણ સામાન્યની જ પુષ્ટિ કરે છે; પુષ્ટિ કરે છે એટલે શું? કે અભેદમાં જ તે ભેદો એકાગ્ર છે. ભલે વિશેષ (પર્યાયની શુદ્ધતા) વધે, તો પણ એ છે અભેદની એકાગ્રતામાં. એ ભેદો અભેદને ભેદરૂપ કરતા નથી પણ અભેદમાં એકાગ્ર તેઓ એક અભેદને જ અભિનંદે છે, પ્રસિદ્ધ કરે છે. આવી વાત! અહો! અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયેલા જીવોને આ સુખનો પંથ આચાર્ય ભગવાન બતાવે છે.

અહીં શું કહે છે? કે સામાન્ય અભેદ એક જ્ઞાયકભાવમાત્ર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. ત્યાં એક જ્ઞાયકભાવમાં એકાગ્રતા થતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપર્યયજ્ઞાન, કેવલજ્ઞાન-એમ જ્ઞાનની નિર્મળ-નિર્મળ પર્યાયો અનેકપણે થાય છે.