સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૭પ છતાં તે બધી એક જ્ઞાનસામાન્યમાં જ એકાગ્ર છે, લીન છે. અર્થાત્ ત્યાં બધું અભેદપણે જ ભાસે છે, ભેદ ભાસતો નથી. અહા! અનેકપણે થયેલી તે પર્યાયો એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે, પુષ્ટ કરે છે, સમર્થન આપે છે. આવો મારગ! દુનિયાથી સાવ જુદો; અભ્યાસ નહિ એટલે સૂક્ષ્મ લાગે અને એટલે બિચારા લોકોને એમ થાય કે અમે આ વ્રત, તપ, ભક્તિ કરીએ છીએ ને? એમ કે એનાથી ધર્મ થશે. પણ વ્રત, તપ આદિ ભાવ તો રાગ છે, તે કાંઈ આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થવાથી પ્રગટ થાય છે. ગાથા ૯૬ માં ન આવ્યું કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્ચ્છાયો છે. ભાઈ! આ દેહ તો મૃતક કલેવર અર્થાત્ મડદું છે અને અંદરમાં જે શુભાશુભ રાગ થાય છે તે પણ જડ, અચેતન મડદું જ છે, કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી.
અ... હા... હા... હા...! કહે છે-જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી પણ તેઓ આ જ એક પદને અભિનંદે છે, પુષ્ટિ આપે છે. આ વાત હવે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-
‘જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, તેના પ્રકાશનની હીનાધિકતારૂપ ભેદો તેના પ્રકાશસ્વભાવને ભેદતા નથી,...
જુઓ, વાદળાંના પટલથી એટલે ગાઢ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાંના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. વિઘટન એટલે વિખરાઈ જવું. જેટલાં જેટલાં વાદળો વિખરાઈ જાય છે તેટલો તેટલો સૂર્ય પ્રગટ થાય છે અર્થાત્ તેટલો સૂર્ય પ્રકાશપણાને પામે છે. ત્યાં સૂર્યના પ્રકાશનના હીનાધિકતારૂપ ભેદો જે પ્રગટ થયા તે ભેદો તેના પ્રકાશસ્વભાવને ભેદતા નથી, ખંડિત કરતા નથી પણ તેના પ્રકાશસ્વભાવનું એકપણું પ્રગટ કરે છે. થોડું પ્રકાશપણું, વિશેષ પ્રકાશપણું-એવા પ્રકાશના ભેદો સૂર્યના સામાન્ય પ્રકાશસ્વભાવને ભેદતા નથી પણ તેનું એકપણું પ્રસિદ્ધ કરે છે. આ દ્રષ્ટાંત થયું. હવે કહે છે-
‘તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઉલટા તેને અભિનંદે છે.’
જુઓ, આત્મા ઢંકાયેલો છે તો પોતે પોતાની યોગ્યતાથી, કાંઈ કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે એમ નથી. તો ‘કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા’-એમ તો ચોખ્ખું લખ્યું છે? હા, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે.
પ્રશ્નઃ– આવી ભાષા સીધી છે છતાં તમે અર્થને ફેરવી નાખો છો?