સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૭૯ તેમાં જ એકાગ્રતા કરવી એ કર્તવ્ય છે કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. અહીં એ જ કહે છે કે-
‘આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું; તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે.’ આત્મા સદા એકરૂપ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ– આમાં તો ‘જ’... ‘જ’... એમ આવે છે; ત્યારે ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં એક પત્રમાં મારો ભગવાન ‘જ’ ન કહે, મારો મહાવીર ‘જ’ ન કહે-એમ આવે છે ને?
સમાધાનઃ– ભાઈ! ત્યાં તો વસ્તુ દ્રવ્યે નિત્ય છે, પર્યાયે અનિત્ય પણ છે એમ અપેક્ષાથી વાત છે. આત્મા નિત્ય જ છે, વા અનિત્ય જ છે એમ નહિ; આત્મા એક જ છે, વા અનેક જ છે એમ નહિ. પરંતુ દ્રવ્યે એક છે તો પર્યાય અપેક્ષાએ અનેક પણ છે; દ્રવ્ય ત્રિકાળ રહે છે એ અપેક્ષાએ નિત્ય છે તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે-એમ વસ્તુના દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું કથન છે. જ્યારે અહીં તો આલંબન કોનું લેવું એની વાત છે. તો કહે છે-ત્રિકાળી દ્રવ્યનો જે એકરૂપ જ્ઞાનસ્વભાવ તે એકનું જ આલંબન લેવું કેમકે તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ– તમે તો નિશ્ચયની જ વાત કરો છો પણ તેનું કાંઈ સાધન છે કે નહિ? સમાધાનઃ– ભાઈ! આ (આત્મા) જ સાધન છે, કેમકે આત્મામાં કરણ નામનો ગુણ છે. આત્મામાં જેમ જ્ઞાનસ્વભાવ ત્રિકાળ છે તેમ કરણ નામનો ગુણ પણ ત્રિકાળ છે. તેનું (ગુણથી અભેદ આત્માનું) આલંબન લેતાં સાધનદશા પ્રગટ થાય છે. કોઈને એમ થાય કે-શું સાધનની આવી વ્યાખ્યા? પણ ભાઈ! આ જ તારા હિતનો પંથ છે. ભગવાન! તું રાગના પંથે તો અનાદિથી પડેલો છે, પણ બાપુ! એ તો અહિતનો દુઃખનો પંથ છે. અહીં કહે છે-શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી ભગવાન આત્માનું જ એકનું વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આલંબન લેવું કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ છે.
પ્રશ્નઃ– એક આત્માના આલંબનથી જ મુક્તિ થાય-એમ આપ એકાન્ત કરો છો. એને બદલે કાંઈક નિશ્ચયથી થાય અને કાંઈક વ્યવહારથી-વ્રતાદિથી પણ થાય એમ કહો તો?
ઉત્તરઃ– ભાઈ! કદીય ત્રણકાળમાં કોઈનેય વ્યવહારથી (ધર્મ, મુક્તિ) ન થાય. અહીં તો આ એક જ વાત છે. જુઓને! પાઠમાં આ જ છે કે નહિ? ભાઈ! આ તો આચાર્ય અમૃતચંદ્રસ્વામી આમ પોકારે છે. અહા! તેઓ તો ભાવલિંગી સંત