૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
સમાધાનઃ– ભાઈ! તે કઈ અપેક્ષાએ છે? અરે, (જ્ઞાનીનો) શુભભાવ અશુભભાવને નિર્જરે છે જ્યારે શુદ્ધભાવ તો બધાને-શુભ તેમ જ અશુભને-નિર્જરે છે. આવી અપેક્ષા ત્યાં છે. પણ શું થાય? (જ્યાં અપેક્ષા જ ન સમજે ત્યાં?)
અહીં તો ભગવાન કુંદકુંદાચાર્યની આ ગાથાનો ભાવ આચાર્ય અમૃતચંદ્રદેવ ટીકામાં દોહી-દોહીને બહાર કાઢે છે. જેમ કોઈ બળુકી બાઈ ગાયના-ભેંસના આળુમાં જે દૂધ છે-જે અંદર છે-તેને દોહીને-ખેંચીને બહાર કાઢે છે તેમ આચાર્યદેવ તર્કની ભીંસ દઈને ગાથામાં જે અંદરમાં ભાવ ભર્યા છે તે બહાર કાઢે છે. કહે છે-એક જ્ઞાનનું એકનું જ આલંબન લેવું કેમકે તે વડે જ મુક્તિ છે. ગાથા જ છે ને! જુઓને!
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।।
આત્મા તે એક પરમાર્થરૂપ જ્ઞાનપદને પામીને મુક્તિ પામે છે; વ્યવહારને પામીને મુક્તિ પામે છે એમ છે જ નહિ. ભાઈ! આ તો જે છે તેનું સ્પષ્ટીકરણ છે.
અહાહાહા...! કહે છે-ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ અર્થાત્ જાણગશક્તિનું સત્ત્વ એવું જે જ્ઞાન તે જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. અહીં બે વાત કરી ને!
૧. જ્ઞાનનું જ, અને તે પણ ૨. એકનું આલંબન લેવું. અહાહાહા...! વસ્તુ-આત્મા અંદર એકલા જ્ઞાનનું નિધાન સ્વચ્છતાના-નિર્મળતાના ભાવથી પરિપૂર્ણ ભરેલું પડયું છે; તે મહાપ્રભુ છે, માટે તેનું આલંબન લે, શરણ લે; મોટાનું શરણ લે. તે મોટો પ્રભુ! તું જ અંદરમાં છો. અહાહાહા...! જાણવું-જાણવું-જાણવું એવો સહજ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનનો એકરૂપ દરિયો પ્રભુ તું જ છો. તું ત્યાં જા, તેમાં આશ્રય પામ, તેનું આલંબન લે. લ્યો, આ તો એકલું નિશ્ચયનું જ આલંબન લેવું એમ કહે છે. ભાઈ! મારગ જ આ રીતે છે તેમાં બીજું શું થાય? શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’’ માટે જે સમ્યક્ એકાન્ત છે એવા નિજ જ્ઞાનસ્વભાવનું જ એકનું આલંબન લેવું.
ભાઈ! જેમ ત્રિકાળી દ્રવ્ય છે તેમ વર્તમાન વર્તમાન વર્તતી તેની પર્યાય પણ છે; આવું અનેકાન્ત છે. છતાં સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાન્ત ઉપયોગી નથી. એથી એ નક્કી થયું કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી જીવને લાભ થાય એમ છે નહિ. એક શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું આલંબન લઈ