૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આલંબનથી જ આત્માનો લાભ થાય છે અને અનાત્માનો અભાવ થાય છે. જુઓ, આનું નામ ત્યાગ છે. બહારનો ત્યાગ કેવો? બહારની ચીજ કયાં અંદર પેસી ગઈ છે કે તેનો ત્યાગ કરે? આ તો તારી પર્યાયમાં જે (અશુદ્ધતા) છે તેના ત્યાગની વાત છે. અહાહાહા...! ‘અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.’ એટલે શું? એટલે કે જેટલા અંશે અંદરના આલંબનમાં ગયો તેટલા અંશે અનાત્માનો-રાગનો પરિહાર-ત્યાગ સિદ્ધ થાય છે. આ આત્માનું ગ્રહણ થાય છે ત્યારે અનાત્માનો ત્યાગ સિદ્ધ થાય છે. લ્યો, આ ગ્રહણ ને ત્યાગ છે.
પહેલાં આવ્યું ને કે-‘જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.’ તેનો અર્થ એમ છે કે પર્યાયને દ્રવ્ય ભણી વાળવી, અને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન ને શ્રદ્ધાન કરવાં. પર્યાય છે તો એક સમયની પણ તે આખા ત્રિકાળીને જાણે છે, શ્રદ્ધે છે. અહો! એક સમયની પર્યાયનું એવું અદ્ભુત સામર્થ્ય છે કે તે અંતર એકાગ્ર થતાં આખા દ્રવ્યને જાણે છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને આ વાત બેસતી નથી તેથી ‘એકાન્ત છે એકાન્ત છે’-એમ રાડો નાખે છે; પણ શું થાય? (અંતર- એકાગ્ર થયા વિના કાંઈ જ બેસે એમ નથી)
અહાહાહા...! એકરૂપ-એકરસરૂપ જ્ઞાન છે, એકરસરૂપ આનંદ છે, એકરસરૂપ શ્રદ્ધા છે. એમ બધું (અનંત ગુણથી ભરેલું) એકરસરૂપ-એકરૂપ ત્રિકાળ છે. તેથી આ એકનું જ આલંબન લેવું જેથી ભેદ દૂર થઈ જાય. તેના આલંબનથી જ આત્મલાભ થાય છે અને અનાત્માનો ત્યાગ થઈ જાય છે. આ વસ્તુસ્થિતિ છે. છતાં અજ્ઞાની વ્યવહાર... વ્યવહાર... વ્યવહાર-એમ પક્ષ કર્યા કરે છે. અરે ભાઈ! વ્યવહાર છે ખરો; પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને વ્યવહાર હોય છે પરંતુ તે હેય છે. અહાહા...! જેને અંદર આત્માનું ભાન વર્તે છે એ અંતરાત્માને વ્યવહાર હોય છે, આવે છે પણ તે હેયસ્વરૂપે છે. ગજબ વાત ભાઈ!
પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે-‘‘હેય-ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય-વિચારરૂપ અન્ય ષટ્દ્રવ્યસ્વરૂપ, ઉપાદેય-આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા.’’ આચરણરૂપ શુદ્ધતાને ઉપાદેય કહી છે; કેમકે ભાસભાન તો શુદ્ધતામાં થાય છે, માટે શુદ્ધતાને અહીં ઉપાદેય ગણી છે. અશુદ્ધતાને હેય-ત્યાગરૂપ કહી છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ-સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી સાધકને પર્યાયમાં અશુદ્ધતા તો છે, પણ છે તે હેય. અજ્ઞાનીને આ આકરું પડે છે, પણ શું થાય? ભાઈ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે. પૂર્ણ વીતરાગ ન હોય ત્યારે, સ્વભાવનો જેટલો આશ્રય વર્તે છે તેટલી તો નિર્મળતા છે, પરંતુ પૂર્ણ આશ્રય નથી એટલે તેટલો વ્યવહારનો આશ્રય તેને આવ્યા વિના રહે નહિ, પણ છે તે બંધનું કારણ, છે તે હેયરૂપ જ.