Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2096 of 4199

 

સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૮૩

અહીં કહે છે-અંતરસ્વરૂપની એકાગ્રતા થતાં આત્મલાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અનાત્મા છે અને તેનો ત્યાગ સ્વરૂપના ગ્રહણ વડે સિદ્ધ થાય છે. ભાઈ! વસ્તુ તો આમ જ છે. દુનિયા માને કે ન માને; એકાંત કહે કે ગમે તે કહે; જન્મ-મરણથી રહિત થવાનો મારગ તો આ જ છે. બાપા! ચાર ગતિમાં તો બધેય દુઃખ છે. મોટું શેઠપદ કે રાજપદ હો તોપણ એમાં આકુળતા ને દુઃખ જ છે. સ્વર્ગમાંય આકુળતા જ છે. સંસારી પ્રાણીઓ જ્યાં હો ત્યાં બધે જ આકુળતાની ભટ્ઠીમાં શેકાઈ રહ્યા છે. નિરાકુળ આનંદ અને શાન્તિનું ધામ તો એક પ્રભુ આત્મા છે. તેને છોડીને કોઈ મંદ કષાય કરો તો કરો, પણ તેનાથી આત્માની શાંતિ અને આનંદ તો દાઝે જ છે. સમજાણું કાંઈ...?

પદ્મનંદી પંચવિંશતિમાં દાનોપદેશના અધિકારમાં આવે છે કે-હે જીવ! તને જે આ બે-પાંચ કરોડની સંપત્તિ મળી છે તે, જેના વડે આત્માની શાંતિ દાઝેલી તે પુણ્યનું ફળ- ઉકડિયા છે. જેમ માણસ માલ-માલ ખાઈ લે અને પછી ઉકડિયાને બહાર ફેંકી દે છે. અને ત્યારે કાગડો કા, કા, કા,... એમ અવાજ કરીને બીજા કાગડાઓને બોલાવીને તે ખાય છે, એકલો ખાતો નથી. તેમ આચાર્ય કહે છે-હે આત્મા! તને જે આ સંપત્તિ-ધૂળ મળી છે તે તારી દાઝેલી શાન્તિનું ફળ ઉકડિયા છે. જો તું તે એકલો ખાઈશ તો કાગડામાંથી પણ જઈશ. કાગડો ઉકડિયા મળે તો એકલો ન ખાય, તેમ જો તું આ સંપત્તિ એકલો ભોગવીશ અને દયા, દાન, ભક્તિ ઇત્યાદિમાં વાપરીશ નહિ તો તું કાગડામાંથી પણ જઈશ. અહા! જ્યારે શુભભાવનો અધિકાર હોય ત્યારે ધર્મીને કેવા શુભભાવ આવે છે તે તો બતાવે ને? જોકે તે શુભભાવ છે હેય, છતાં તે ધર્માત્માને હોય છે, આવે છે એની વાત છે. દ્રવ્યદ્રષ્ટિએ તો પરમાત્મા ચોથે ગુણસ્થાને પ્રાપ્ત થયો છે. પણ ચારિત્રની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વના આશ્રયમાં અધુરાશ છે તેથી, પૂર્ણ થયો નથી, સ્વના આશ્રયની અધુરાશમાં પરનો વ્યવહાર આવ્યા વિના રહે નહિ અને ત્યારે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભભાવ તેને આવે છે. પણ તે છે સ્વદ્રવ્યની અશુદ્ધતા- હેય, હેય, હેય.

પ્રશ્નઃ– જો તે (-શુભભાવ) હેય છે તો શા માટે કરવા? સમાધાનઃ– તે કરવાની તો વાત જ કયાં છે? જ્ઞાનીને તે કરવાનો અભિપ્રાય કયાં છે? એ તો કહ્યું ને કે જ્યાં સુધી સ્વનો પૂર્ણ આશ્રય થયો નથી ત્યાંસુધી સ્વના આશ્રયની અધુરાશમાં તેને પરનો વ્યવહાર-દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. પણ એ છે હેય એમ જાણવું. આવી વાત છે.