સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૮પ અદ્ભુત વારસો મૂકી ગયા છે. ભાઈ! તેનો મહિમા લાવી સ્વહિત માટે સ્વાધ્યાય કરવો જોઈએ.
કહે છે-‘આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.’ અહાહાહા...! એક શુદ્ધના અવલંબને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. અર્થાત્ અશુદ્ધતાનો પરિહાર તે વ્યય અને શુદ્ધતાની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને આલંબનયોગ્ય જે એક શુદ્ધ ત્રિકાળ વસ્તુ તે ધ્રુવ છે. અહા! આવાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ! ભાઈ! આ તો ધીરાનું કામ બાપા! આ કાંઈ પુણ્યની ક્રિયા કરતાં કરતાં મળી જાય એમ નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં વ્યવહાર તો ન આવ્યો? ભાઈ! નિશ્ચય પ્રગટે તેને વ્યવહાર હોય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહાર જ નથી, એ તો વ્યવહારાભાસ છે.
ભગવાન! તું ચૈતન્યનિધાન છો. તારામાં અનંતી સ્વરૂપસંપદા ભરેલી છે. ‘ભગવાન્’-એમ કળશ ૧૪૧ માં આવે છે ને? ભગ નામ લક્ષ્મી અને વાન્ એટલે વાળો. અહાહા...! અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો તું ભગવાન છો. પરમ અધ્યાત્મતરંગિણીમાં भगं–लक्ष्मी विद्यते यस्य सः भगवान्–એમ ભગવાનનો અર્થ કર્યા છે. ‘भग’ નામ શ્રી, જ્ઞાન, વીર્ય, પ્રયત્ન, કીર્તિ, માહાત્મ્ય -એવા અર્થ પણ થાય છે. પણ અહીં ‘ભગ’નો અર્થ લક્ષ્મી-જ્ઞાન અને આનંદની લક્ષ્મી કર્યો છે કેમકે આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોય અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા...! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં ભ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં ક્રોડો મણિ-રત્ન ભાળીને ‘ઓહોહોહો...’ એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં ક્રોડો તો શું અનંત-અનંત-અનંત ક્રોડો રતન ભર્યાં છે. ભાઈ! તું એમાં અંતર્દ્રષ્ટિ કર, તને ભગવાનના ભેટા થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનો પરિહાર થશે.
આમ થવાથી કહે છે કે-‘કર્મ જોરાવર થઈ શકતું નથી.’ કર્મ તરફનું વશપણું હતું તેને કર્મનું જોરાવરપણું કહેવાય છે. કર્મને વશ પોતે થઈ પરિણમે ત્યારે કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. હવે જ્યાં વસ્તુસ્વભાવને વશ થઈ પરિણમ્યો ત્યાં નિમિત્તને વશે જે જોર હતું તે જોર નીકળી જાય છે. હવે તે પરને વશ ન થતાં સ્વને વશ થાય છે. ‘કર્મ જોરાવર થઈ શકતું નથી’-એ કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વવશે અશુદ્ધતા જ્યારે નીકળી જાય છે ત્યારે અશુદ્ધતાનું જોર જે નિમિત્તને વશે હતું તે રહેતું નથી.