૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
કહે છે-એક જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનથી કર્મ જોરાવર થઈ શકતું નથી. એટલે શું? એટલે કે અજ્ઞાની પરને વશ થતો હતો તે કર્મનું જોર હતું, પરંતુ હવે સ્વને વશ થયો તો કર્મના વશે જે જોર હતું તે છૂટી જાય છે. આવી વાત છે! ભાઈ! કર્મ તો પરદ્રવ્ય છે અને તેનો સ્વદ્રવ્યમાં તો અભાવ છે. હવે જેમાં કર્મનો અભાવ છે તેને કર્મ શું કરે? તેને નુકશાન શી રીતે કરે? કર્મનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે માટે તે આત્માને નુકશાન કરી શકે નહિ. પણ જે અશુદ્ધતાનો સદ્ભાવ છે તે તેને નુકશાન કરે છે. પ્રવચનસાર ગાથા ૧૬ માં ભાવઘાતી કર્મની વાત કરી છે. ત્યાં કહ્યું છે-ઘાતીકર્મ બે પ્રકારના છેઃ-
૧. નિમિત્તરૂપ દ્રવ્યકર્મ અને ૨. ઉપાદાનરૂપ ભાવકર્મ (જે પોતાનો ઘાત પોતે કરે છે). આ પ્રમાણે દ્રવ્યકર્મ અને ભાવકર્મ એમ બે પ્રકારે ઘાતી કર્મ છે. અહો! આચાર્ય ભગવંતોએ ગજબનાં કામ કર્યાં છે! અહો! ગાથા-ગાથાએ અને પદે-પદે જાણે દરિયા ભર્યા છે!
હવે કહે છે-નિમિત્તને વશ નહિ થતાં ‘રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (અને રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી; પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે.’
જુઓ, ક્રમસર મોક્ષ સુધી લઈ જશે. કહે છે-રાગદ્વેષમોહ વિના ફરી કર્મ આસ્રવતું નથી અને આસ્રવ વિના ફરી કર્મ બંધાતું નથી તથા પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે. જુઓ, સ્વભાવના આશ્રયે-અવલંબે જે પડયો છે તેને પરાશ્રયનો ભાવ છૂટતો જાય છે, કર્મ છૂટી જાય છે. કર્મ છૂટી જાય છે એટલે કે અસ્થિરતા છૂટી જાય છે. ‘કર્મ છૂટી જાય છે’ એમ કહેવું તે (આગમનો) અસદ્ભૂત વ્યવહાર છે અને ‘અસ્થિરતા છૂટી જાય છે’ તે અધ્યાત્મના અસદ્ભૂત વ્યવહારનું કથન છે.
કહે છે-‘પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે.’ અહા! જુઓ તો ખરા ક્રમ! ઉદય આવતાં સુખ-દુઃખ થાય છે પણ પછી તે નિર્જરી જાય છે. પહેલાં આ (૧૯૪) ગાથામાં આવી ગયું છે. ૧૯૩ મી ગાથામાં દ્રવ્યકર્મની નિર્જરાની વાત હતી અને ૧૯૪ મી ગાથામાં અશુદ્ધતાના નિર્જરવાની-ભાવનિર્જરાની વાત હતી. અહાહાહા...! શુદ્ધ સ્વભાવના અવલંબને જ્યાં અંતઃસ્થિરતા-અંતર-રમણતા થઈ, આનંદમાં જમાવટ થઈ ત્યાં પૂર્વનું કર્મ જરાક (ઉદયમાં) આવ્યું હોય તે નિર્જરી જાય છે, ખરી જાય છે; અસ્થિરતા-અશુદ્ધતા ઝરી જાય છે અને ‘સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે.’ અહા! જુઓ આ ક્રમ! બાપુ! આ જ માર્ગ છે.