૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– પણ લોકો આવી વાતથી રાડ પાડે છે ને? ઉત્તરઃ– શું કરીએ ભાઈ! તેઓ તો પોતાની (વર્તમાન) યોગ્યતા પ્રમાણે એમ કરે છે અને તેમને જે ભાસ્યું હોય તે કહે છે. પણ એથી કાંઈ તેમનો તિરસ્કાર ન હોય. તે પણ ભગવાન છે ને અંદર? ૧૭-૧૮ ગાથામાં આવે છે ને કે જ્ઞાનની વર્તમાન જે વ્યક્ત અવસ્થા છે તે અવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે તેમાં આખું દ્રવ્ય જ્ઞેય તરીકે જણાય જ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ આખો જ્ઞાયક જણાય છે પણ તેની અંદર જ્ઞાયક ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ બહાર છે તેથી તે બીજો અધ્યવસાય કરે છે કે-હું રાગ છું, અલ્પજ્ઞ છું, પર્યાયમય છું. હવે ત્યાં શું કરીએ? (દ્રષ્ટિ બદલાતાં બધું સુલટી જશે)
અહીં કહે છે-અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયોના સમૂહને જે પી ગઈ છે એવી ‘यस्य इमाः अच्छ–अच्छाः संवेदनव्यक्तयः’ જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન-વ્યક્તિઓ ‘यद् स्वयं उच्छलन्ति’ આપોઆપ ઉછળે છે,...
શું કહ્યું? કે નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ આપોઆપ ઉછળે છે એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વયં પ્રગટ થાય છે. જુઓ, પરના આશ્રયે તો મલિનતાની પર્યાયો પ્રગટ થાય છે. ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે (લક્ષે) પર્યાય થાય તોપણ તે મલિન જ છે કેમકે તેઓ પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના આશ્રયે રાગ જ થાય છે. પરંતુ સ્વદ્રવ્યનો આશ્રય લેતાં નિર્મળથી પણ નિર્મળ એટલે અતિ અતિ નિર્મળ અર્થાત્ વધતી- વધતી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. આવી વાત બિચારો સાંભળવા નવરો કયારે થાય? ધંધો-વેપાર ને સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવાની પાપની મજુરી આડે એને નવરાશ કયાં મળે? હું કર્તા-હર્તા છું, ને આવો છું ને તેવો છું-એમ માન લેવા આડે નવરો થાય તો આ સાંભળે ને?
અરે! અજ્ઞાની અનંતકાળમાં આમ ને આમ મરી ગયો છે. અહા! એણે જીવને મારી નાખ્યો છે! પોતે ચૈતન્યરત્નોનો સમુદ્ર હોવા છતાં પરથી પોતાની મોટપ બતાવવામાં એણે જીવતા જીવને મારી નાખ્યો છે, એટલે કે પર્યાયમાં તેનો (પોતાનો) ઈન્કાર કર્યો છે. બાકી વસ્તુ જે છેપણે છે તે કયાં જાય? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે-
અહા! રાગ વડે અને પર ચીજ વડે હું મોટો-અધિક છું એમ માનનાર ક્ષણેક્ષણે જીવનું ભાવમરણ કરે છે.