સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૯૧ થાય તે અહિંસા ધર્મ છે અને તે જ સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ધર્મનો પરિણામ છે. આવી વાત છે.
અહા! કહે છે-જ્ઞાનની નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. ભાઈ! જ્યાં આત્માની જ્ઞાનપર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું તો તે પર્યાયમાં વિશ્વના જેટલા પદાર્થો છે તે બધાયનું જ્ઞાન પણ સમાઈ જાય છે. અહાહા...! નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાનરસની અતિશયતા વડે સ્વને અને પરને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. એમ કે હવે શું જાણવાનું બાકી છે? ઝીણી વાત છે પ્રભુ! આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે; તેની જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનની પર્યાયમાં આખો ત્રિકાળી ભગવાન જ્ઞાનનો સૂર્ય પ્રભુ આત્મા જણાયો અને તે પર્યાયમાં જગતના સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ સમાઈ ગયું; જાણે કે તે પર્યાય સ્વ અને પરને-સમસ્ત પદાર્થોને જ્ઞાનમાં પી બેઠી ન હોય! અહાહાહા...! શ્રુતજ્ઞાનની પર્યાય પણ પોતાના સ્વપરપ્રકાશકપણાના સામર્થ્ય વડે સ્વ-પરને-સમસ્ત પદાર્થોને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી. ન જ બેસે ને? કેમકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્માનાં દ્રષ્ટિ અને અનુભવ વિના પોતે જે કાંઈ આચરણ કરે છે તે ચારિત્ર છે એમ એને મનાવવું છે. પરંતુ ભાઈ! એ કાંઈ તને લાભનું કારણ નથી.
પ્રશ્નઃ– ચારિત્ર છે તે ધર્મ છે; આપ એકાન્ત કેમ કરો છો? સમાધાનઃ– ચારિત્ર છે તે ધર્મ છે-એ તો યથાર્થ છે. પરંતુ તેનું મૂળ તો સમ્યગ્દર્શન છે. માટે વિના સમ્યગ્દર્શન ચારિત્ર-આચરણ આવ્યું કયાંથી? ભાઈ! સમ્યગ્દર્શન વિનાનાં જેટલાં વ્રત, તપ વગેરે આચરણ છે તેને તો ભગવાને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. અને જ્ઞાનીને પણ જે રાગનું આચરણ છે તે ચારિત્ર કયાં છે? એને સ્વરૂપમાં જે રમણતા થાય એ ચારિત્ર છે. આવું લોકોને આકરું પડે એટલે ખળભળી ઊઠે છે. પણ શું થાય?
અહીં તો કહે છે કે-સમ્યગ્જ્ઞાનની-શ્રુતજ્ઞાનની પર્યાય હો તોપણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે અને તેમાં જગતના જેટલા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે બધાનું પણ જ્ઞાન થાય છે; અર્થાત્ તે જ્ઞાન બધાને પી ગયું છે. પી ગયું છે એટલે? એટલે કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે છે એનાથી અનેકગણું વિશ્વ હોય તોપણ તેને તે જાણી લે. અહો! સમ્યગ્જ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે! અહા! જેને પોતાની સર્વજ્ઞશક્તિનું-પરમાત્મશક્તિનું અંતરમાં ભાન થયું તેની જ્ઞાન-પર્યાયનું અદ્ભુત ચમત્કારી સામર્થ્ય છે કે તે જગતના સમસ્ત સ્વ-પર પદાર્થોને-દ્રવ્ય-ગુણ-પર્યાયને પી લે છે, જાણી લે છે. આવી વાત છે.