૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અંતર્મુખ થતાં આત્માનું જ્ઞાન થાય છે કેમકે વસ્તુ-આત્મા અંતર્મુખ છે, બહારમાં નથી. બહારમાં તો પર્યાય ને રાગ છે. તેથી જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને અનંતગુણના પિંડસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં જે એકાગ્ર થાય છે તેને આત્મજ્ઞાન થાય છે.
જ્ઞાનગુણમાં સર્વજ્ઞસ્વભાવનું રૂપ છે. સર્વજ્ઞશક્તિ ભિન્ન છે, પણ જ્ઞાનગુણમાં સર્વજ્ઞશક્તિનું રૂપ છે. તેવી રીતે જ્ઞાનગુણમાં આનંદસ્વભાવનું રૂપ છે. આનંદ ગુણ જુદો છે, જ્ઞાનગુણમાં આનંદ ગુણ નથી, પણ અનંત આનંદસ્વભાવનું રૂપ જ્ઞાનગુણમાં છે. અહો! આવો અદ્ભુત નિધિ ભગવાન. ચૈતન્યરત્નાકર આત્મા છે! અહાહા...! જેમાં અનંત-અનંત ચૈતન્યગુણરત્નો ભર્યાં છે એવા આત્માનું ભાન થતાં-જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પર્યાય સ્વને ને પરને જાણે પી જતી-જાણી લેતી થકી આપોઆપ પ્રગટ થાય છે અર્થાત્ તે નિર્મળથી નિર્મળ પર્યાયની સ્વ-પરને જાણવાની શક્તિ સહજપણે ખીલી ગઈ હોય છે એમ કહે છે.
અહા! ભગવાન! તું કોણ છો તે (આચાર્ય) પરમેશ્વર તને ઓળખાવે છે. અહા! જેણે હજુ પોતાના પરમેશ્વર-ભગવાન આત્માના આશ્રયે સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન પ્રગટ કર્યું જ નથી તેને રાગની મંદતાનાં આચરણ-વ્રત, તપ આદિ ભલે હો, પણ એ બધાં બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યાં વ્રત ને મૂર્ખાઈ ભર્યાં તપ છે. ભાઈ! તને ખોટું લાગે એવું છે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ એવી છે ને! ભગવાને પણ એમ જ કહ્યું છે ને! ભાઈ! ભગવાન આત્માનું-પર્યાયવાન વસ્તુનું-પોતાની જ્ઞાનની પર્યાયમાં જ્યાં સુધી જ્ઞાન-શ્રદ્ધાન ન થાય ત્યાં સુધી ગમે તેવું શાસ્ત્રજ્ઞાન હો કે જગતને સમજાવતાં આવડે તેવી બુદ્ધિ હો તોપણ તે જ્ઞાનને જ્ઞાન (આત્મજ્ઞાન) કહેતા જ નથી.
આત્મામાં સર્વને જાણવાના સામર્થ્યવાળો સર્વજ્ઞ ગુણ છે. આ સર્વજ્ઞ ગુણનું રૂપ તેના અનંતા ગુણમાં વ્યાપેલું છે. અહા! આવો અનંતગુણના સત્ત્વરૂપ જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક છે. અહીં કહે છે-જેને અંદર જ્ઞાનની પર્યાયમાં ‘હું આવો છું’ એવું જ્ઞાન થયું છે તેની જ્ઞાનની પર્યાયમાં સ્વને ને પરને-સર્વને, જાણે તે પી ગયો હોય તેમ, જાણવાનું સામર્થ્ય ખીલી ઊઠયું છે. આનું નામ આત્મજ્ઞાન અને આ ધર્મ.
ભાઈ! તેં તને કદી જોયો નથી; અંદર ચૈતન્યનું નિધાન પડયું છે ત્યાં તારી નજરું ગઈ નથી. બસ એકલા બાહ્ય આચરણમાં જ તું રોકાઈ રહ્યો છો. પણ એમાં તને કાંઈ લાભ નહિ થાય હોં. બાપુ! અનંતકાળથી તેં ખોટ જ કરી છે. તને એ ક્રિયાકાંડના પ્રેમથી (પર્યાયમાં) નુકશાન જ ગયું છે. પણ ભાઈ! તારે ખજાને (દ્રવ્યમાં) ખોટ નથી હોં; ખજાનો તો અનંતગુણના સત્ત્વથી ભરેલો ત્રિકાળ ભરચક છે; ત્યાં કાંઈ ખોટ નથી. તેમાં નજર કર, તું ન્યાલ થઈ જઈશ.