સમયસાર ગાથા-૨૦૪ ] [ ૨૦૩ મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે આ સિવાય બીજી શી વાત કરવાની હોય?) પ્રભુ! અમે તો તમને બ્રહ્મચર્યની એટલે આત્મરમણતાની વાત કરીએ છીએ. પણ યુવાનીના મદમાં-શરીર ફાટુફાટુ થતું હોય એના મદમાં-, અને વિષયના રસના ઘેનમાં - આ શું વાત કરે છે? -એમ તને અમારી વાત ન રુચતી હોય તો ક્ષમા કરજે ભાઈ ક્ષમા કરજે બાપા! અમે તો વનવાસી મુનિ છીએ. અહા! વનવાસી દિગંબર સંત આમ કહે છે! તેમ મારગ તો આ જ છે બાપા! તને ન ગોઠે તો ક્ષમા કરજે ભાઈ! પણ ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ અહીં કહે છે-જ્ઞાન એટલે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનગુણ વિના બીજી કોઈ પણ રીતે અજ્ઞાનીઓ પ્રાપ્ત કરી શકતા નથી. આવી વાત છે.
‘જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે;’... શું કહ્યું? આત્મા જે સર્વજ્ઞસ્વભાવી છે તેનું જે જ્ઞાન છે તે (જ્ઞાન) સાક્ષાત્ મોક્ષ છે. અહીં એમ કહેવું છે કે અશુભ ટાળવા માટે જે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર છે તે હોય છે ખરો, પણ તે મોક્ષનું કારણ નથી. જ્ઞાનની એકાગ્રતાની દશા થવા છતાં, પૂર્ણદશા ન હોય ત્યારે વચમાં વ્યવહારનો રાગ આવે છે ખરો પણ તે કાંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક જ્ઞાનની એકાગ્રતા જ છે. જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જે જ્ઞાન છે અર્થાત્ જ્ઞાનનું જે જ્ઞાન છે તે જ્ઞાનની એકાગ્રતા છે અને તે એકાગ્રતા મોક્ષનું કારણ છે. આવી વાત છે. આ નિર્જરા અધિકાર છે ને!
જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થતાં જે જ્ઞાન થાય છે-જ્ઞાનની પર્યાય થાય છે તે વીતરાગી પર્યાય છે. અહા! તે વીતરાગી પર્યાય વડે આત્માને કેવળજ્ઞાન થાય છે. તેથી કહ્યું કે-‘જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે.’ એક રીતે કહીએ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ જ છે અને તેમાં જ્ઞાનની જે પર્યાય એકાગ્ર થાય છે તે પણ મોક્ષસ્વરૂપ છે.
એ જ કહે છે કે-‘તે (મોક્ષ) જ્ઞાનથી જ મળે છે.’ અહાહા...! આત્મા જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. અર્થાત્ જ્ઞાન ને આનંદ આત્માની સ્વરૂપસંપદા છે. તે સ્વરૂપસંપદાના સન્મુખની એકાગ્રતાથી - જ્ઞાનના પરિણમનથી-સ્વભાવના પરિણમનથી મોક્ષ મળે છે. જુઓ, છે? કે ‘તે (મોક્ષ) જ્ઞાનથી જ મળે છે?’ ભાષા જુઓ તો ખરા! ‘જ’ નાખ્યો છે.
પ્રશ્નઃ– આ તો એકાન્ત થઈ ગયું; વ્યવહાર કરતાં કરતાં અને વ્રત-તપ કરતાં કરતાં પણ મોક્ષ થાય એમ ન આવ્યું?