Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2137 of 4199

 

૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ લીન થવું તે નિશ્ચયધર્મધ્યાન છે અને જે શુભવિકલ્પ છે તે વ્યવહારધર્મધ્યાન છે. (વ્યવહારધર્મધ્યાન એ આરોપિત કથનમાત્ર ધર્મધ્યાન છે અને તે ધર્મીને-જ્ઞાનીને હોય છે.)

‘एकाग्र चिंतानिरोधो ध्यानम्’ એક + અગ્ર - નામ એક આત્માને દ્રષ્ટિમાં લઈને

તેમાં લીન થતાં ચિંતાનો-વિકલ્પનો નિરોધ થઈ જાય છે તેનું નામ ધ્યાન છે. અહાહા...! વસ્તુ-પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણસ્વભાવે પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે પરમધ્યાન છે. હવે કહે છે-‘તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’ જુઓ, પહેલાં પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્માની ધ્યાનમાં પ્રાપ્તિ તે ધ્યાનની પ્રથમ દશા છે, અપૂર્ણ દશા છે. તેનાથી, કહે છે, વર્તમાન આનંદ અનુભવાય છે અને પછી થોડા જ કાળમાં એટલે ધ્યાન જામતાં જામતાં પરિપૂર્ણ દશા થતાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેમાં પૂર્ણજ્ઞાન અને પૂર્ણઆનંદની પ્રાપ્તિ-અનુભવ થાય છે. સમજાણું કાંઈ...?

દ્રવ્યસંગ્રહની ૪૭ મી ગાથામાં આવે છે ને કે-
दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा

બે પ્રકારનો મોક્ષમાર્ગ-સાચો અને આરોપિત મોક્ષમાર્ગ-મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહાહા...! અંદર ધ્યેયને (શુદ્ધ આત્મદ્રવ્યને) ગ્રહતાં-પકડતાં જે વિકલ્પ વિનાની એકાકાર-ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિશ્ચય (સત્યાર્થ) મોક્ષમાર્ગ છે, જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર (આરોપિત) મોક્ષમાર્ગ છે. આ બન્ને મોક્ષમાર્ગ પ્રભુ! તને ધ્યાનમાં પ્રાપ્ત થશે. અરે! પરંતુ જેને હજુ પોતે કેવો છે, કેવડો છે- એની ખબરેય નથી તેને ધ્યાન કેવું? તેને મોક્ષમાર્ગ કેવો?

અહીં કહે છે-પ્રભુ! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થા, એમાં જ સંતુષ્ટ થા, એમાં જ તૃપ્ત થા અર્થાત્ એમાં જ તારું ધ્યાન લગાવ. તેથી તને વર્તમાનમાં આનંદનો અનુભવ થશે અને થોડા જ કાળમાં (ધ્યાનના દ્રઢ-દ્રઢતર-દ્રઢતમ અભ્યાસથી) તને જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. અહાહા...! ધ્યાન વડે પ્રભુ! તને અલ્પકાળમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થશે. વળી કહે છે-‘આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.’ (બ્રહ્મલીન પુરુષ જ પરમાનંદને અનુભવે છે, બીજા મિથ્યાદ્રષ્ટિઓને અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થતો નથી). આવી વાત છે.

*