સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૨પ
देवः’ અચિન્ત્યશક્તિવાળો દેવ છે...
શું કહ્યું? ભગવાન આત્મા અચિન્ત્યશક્તિવાળો એટલે કે ચિંતનમાં-વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ-પ્રભુ છે. તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની પણ પોતે અચિન્ત્યશક્તિવાળો દેવ છે. અહાહા...! જે ચિંતવનાથી જાણી શકાય નહિ તે અચિન્ત્યશક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે. અહાહા...! એ તો પોતે પોતાના સ્વભાવથી (સ્વભાવના લક્ષે, સ્વાનુભૂતિમાં) જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા-દ્રષ્ટા- સ્વભાવી પ્રભુ આત્મા છે.
કોઈને વળી થાય કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય ને? નિમિત્ત હોય તો ઉપાદાનમાં કાર્ય થાય ને?
ભાઈ! ‘નિમિત્તથી થયું’ એમ કહેવું એ તો નિમિત્તની કથનશૈલી છે; બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ જ થતું નથી. જુઓને! અહીં શું કહે છે? કે ભગવાન આત્મા અચિન્ત્ય દેવ છે; અર્થાત્ તેની દિવ્યશક્તિને પ્રગટ કરવા કોઈ રાગની-વ્યવહારની અપેક્ષા નથી. અહીં તો ધર્મી-જ્ઞાની પણ અચિન્ત્ય દેવ છે એમ કહ્યું છે કેમકે જ્ઞાનીને અચિન્ત્ય દેવ એવો જે આત્મા તે સ્વાનુભવમાં પ્રત્યક્ષ અનુભવાયો છે. સમજાણું કાંઈ...?
અહાહા...! જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી-જ્ઞાની અચિન્ત્ય દેવ છે. તથા ‘चिन्मात्र–चिन्तामणिः’ તે ચિન્માત્ર-ચિંતામણિ છે. જુઓ, ધર્મી જીવ ચૈતન્યચિંતામણિ રત્ન છે; કેમકે ચિન્માત્ર-ચિંતામણિ એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે. જેમ ચિંતામણિ રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ છે. એટલે શું? કે તેમાં જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્યરત્નો (જ્ઞાન, દર્શન આદિ) પ્રાપ્ત થાય છે. ભાઈ! રાગ ચૈતન્ય-ચિંતામણિ નથી. આ દયા, દાનના વિકલ્પ કે વ્યવહારરત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્યચિંતામણિ નથી કેમકે તેમાં એકાગ્ર થતાં ચૈતન્યરત્નો (સમ્યગ્દર્શન આદિ) પ્રગટતાં નથી, પણ જીવ પામર દશાને જ પ્રાપ્ત થાય છે. (ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે).
જેમ જેને પુણ્ય હોય છે તેને દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન પ્રાપ્ત થાય છે. તેમ જેને અંતરમાં અચિન્ત્યદેવ ચિન્માત્રચિંતામણિ પ્રભુ આત્મા છે એવો અનુભવ થયો છે તેને તે (-આત્મા) પ્રાપ્ત થાય છે.
અહા! આ નિર્જરા અધિકાર ભાઈ! સૂક્ષ્મ છે. અરે! અજ્ઞાની તો એમ કહે