આ રીતે ભૂતાર્થ-સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પ્રમાણ-નય-નિક્ષેપોમાં એક જીવ જ પ્રકાશમાન છે. ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જ આત્મા છે. એવા આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
આ પ્રમાણ-પ્રત્યક્ષ અને પરોક્ષ, નય-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, તથા નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ત્રણેનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. શું કહે છે? દ્રવ્ય નામ વસ્તુ અને પર્યાય નામ અવસ્થા-હાલત. આદિ-અંત વિનાની ત્રિકાળ ધ્રુવ અવિનાશી ચીજ આત્મવસ્તુ એને દ્રવ્ય કહે છે. એની બદલતી દશા-મતિ, શ્રુત આદિને પર્યાય કહે છે. આવી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ છે. વેદાંત એકલા દ્રવ્યને-કૂટસ્થને જ માને છે, બૌદ્ધ એકલી પર્યાયને જ માને છે. ભગવાન સર્વજ્ઞે દ્રવ્ય પર્યાયસ્વરૂપ વસ્તુને જાણી છે અને એવી જ કહી છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુને પ્રથમ અવસ્થામાં સિદ્ધ કરવા માટે એ પ્રમાણ, નય, નિક્ષેપ બરાબર છે. (હોય છે) એનાથી વસ્તુની સિદ્ધિ થાય છે. આ સમ્યગ્જ્ઞાનની વાત નથી. (આમ જાણવાથી સમ્યગ્જ્ઞાન થાય એમ કહેવું નથી.) જ્ઞાનના વિશેષ ભેદ છે એટલું. સાધક અવસ્થામાં તેઓ સત્યાર્થ જ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ એ દ્રવ્ય છે, એક સમયની પર્યાય એ ભેદ છે એમ સાધવું એ વ્યવહારથી સત્યાર્થ છે, કેમકે જ્ઞાનના એ વિશેષો છે, એના વિના વસ્તુને સાધવામાં આવે તો વિપરીતતા થઈ જાય. એનાથી વસ્તુની યથાર્થ સિદ્ધિ થાય છે, અન્યથા વિપરીતતા થઈ જાય છે.
હવે કહે છે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની પણ રીત છેઃ- પ્રથમ અવસ્થામાં પ્રમાણ, નય, નિક્ષેપથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી. શું કહે છે? પ્રથમ પ્રમાણ-નય-નિક્ષેપ દ્વારા વસ્તુને સાધીને યથાર્થ નિર્ણય કરવો કે વસ્તુ-આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનાં જ્ઞાન-શ્રદ્ધાન (વિકલ્પરૂપ) કરવાં વ્યવહારની વાત છે.
જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકદેવ-જે ચૈતન્યના નૂરના તેજનું પૂર એવા આત્માનું જ્ઞાન કરવું. અહીં જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ શુદ્ધજીવવસ્તુનું જ્ઞાન થવું એને જ્ઞાન કરવું એમ કહ્યું છે. પર્યાયમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન થવું એને આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન કહે છે. પહેલાં પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુને યથાર્થ જાણી જ્ઞાન-શ્રદ્ધાન કરવું એમ કહ્યું હતું એ તો વ્યવહારથી મન વડે વિકલ્પમાં નિર્ણય કરવાની વાત હતી. અહીં તો વસ્તુતત્ત્વના અંતર અનુભવપૂર્વક સમ્યગ્દર્શન- સમ્યગ્જ્ઞાનની વાત કરી છે.