છે. આવી વાત છે. એક વાત ફરે તો આખી વાત ફરી જાય છે. વેદાંત એક જ કહે છે. પણ એક છે એનો નિર્ણય કોણે કર્યો? પર્યાયે. તો પર્યાય છે કે નહીં? પર્યાય છે, પણ તે આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરનાર તો પર્યાય છે.
અહીં કહે છે ચૈતન્યમાત્ર એકરૂપ સ્વભાવનો અનુભવ કરતાં એટલે ચૈતન્યમાત્ર-વસ્તુનું પર્યાયમાં વેદન કરતાં અર્થાત્ આનંદનું વેદન પર્યાયમાં આવતાં એ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ અને નયના વિકલ્પો-એ બધું જૂઠું છે. [આગળ (નયોના ભેદોની ચર્ચામાં) જે ‘અનુભવ’ શબ્દ હતો એમાં તો જાણવાની અપેક્ષા હતી.] ભેદથી જોતાં એ સાચા છે, પણ અભેદમાં ભેદ દેખાતા નથી એથી તે અસત્યાર્થ છે. અભેદમાં ભેદ દેખાય તો અભેદ રહે નહીં. ભેદના લક્ષે જ ભેદ દેખાય.
પહેલાં પ્રમાણની વાત કરી, પછી નયની કરી હવે નિક્ષેપ સંબંધી કહે છે. નિક્ષેપના ચાર ભેદ છેઃ નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ.
વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વ્યવહારે સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. જેમકે કોઈનું નામ મહાવીર રાખવામાં આવે એ નામ નિક્ષેપ છે. ‘આ તે છે’ એમ અન્ય વસ્તુનું અન્ય વસ્તુમાં પ્રતિનિધિત્વ સ્થાપિત કરવું-પ્રતિમારૂપ સ્થાપના કરવું તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. ભવિષ્યમાં તીર્થંકર થવાના હોય તેને વર્તમાનમાં તીર્થંકર કહેવા તે દ્રવ્ય નિક્ષેપ છે. ચોવીસ ભગવાન થઈ ગયા. એ તો હમણાં સિદ્ધપણે છે. છતાં ‘લોગસ્સ’ માં ચોવીસ તીર્થંકરની સ્તુતિ જે કહેવામાં આવે છે તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. જેમકે વર્તમાનમાં કોઈ જીવને કેવલજ્ઞાન અને પરમાત્મદશા છે એને એ રીતે વર્તમાનમાં જાણવું એ ભાવ નિક્ષેપ છે.
એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી અનુભવ (જ્ઞાન) કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે. જ્ઞાનની અપેક્ષાએ એ ચારેય પ્રકારનું જ્ઞાન કરવું એ બરાબર છે; પણ વસ્તુસ્થિતિએ નહીં; ભિન્ન એટલે કે જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર લક્ષણોથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, જૂઠા છે. નામ, સ્થાપનાદિ એ તો જ્ઞેયના ભેદો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનો ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે, રાગ છે. પર્યાયમાં એ ચાર નિક્ષેપોને જાણવા એ અપેક્ષાએ એ ચાર છે, પણ ચૈતન્યલક્ષણરૂપ નિજ એકરૂપ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં ચારેય જૂઠા છે.