સમયસાર ગાથા-૨૦૮ ] [ ૨૪૧ છે ભાઈ! બાપા! આ અવસર ફરી ફરીને નહિ આવે હોં. ભાઈ! જો તું અવસર ચૂકી ગયો તો કયાંય એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જઈશ. પછી આવું વિચારવાનો તો શું સાંભળવાનોય અવસર નહિ હોય. ભાઈ! તું એક વાર તારો (મિથ્યા) આગ્રહ છોડી દે.
અહીં કહે છે-જ્ઞાની એમ માને છે કે-જો હું રાગને પોતાનો માનું તો જરૂર તે અજીવ મારું સ્વ થઈ જાય અને હું જરૂર તે અજીવનો સ્વામી થઈ જાઉં. અહા! આવો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો મારગ મહા અલૌકિક છે! અહાહા...! તેમાં જેને અંતરમાં ધર્મની દશા પ્રગટી છે તે કહે છે-જો તારે ધર્મ પ્રગટ કરવો હોય તો દયા, દાન આદિનો રાગ મારો છે એમ ન માન; રાગ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ તું ન માન; કેમકે રાગ અજીવ છે, અચેતન છે. અને તું? તું એકલું ચૈતન્ય છો. ભાઈ! રાગમાં ચૈતન્યનો કણ પણ નથી. રાગ પોતાનેય ન જાણે અને પરનેય ન જાણે એવો અચેતન આંધળો છે તેથી અજીવ છે. હવે એક સમયની પર્યાયમાં થતો રાગ પણ જ્યાં તારો નથી તો સ્ત્રી-પુત્ર ને જર-ઝવેરાત તો કયાંય દૂર રહી ગયાં. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા પૈસા તો કમાય ને? ભાઈ! પૈસા કોણ આત્મા કમાય? આત્મા તો પૈસાને અડેય નહિ તો પૈસા શું કમાય? ભાઈ! તને તારી ચીજની ખબર નથી, પણ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવ અને તેમના કેડાયતી સંતો એમ ફરમાવે છે કે-નાથ! તું એકલા જ્ઞાન અને આનંદનો ચૈતન્યમય ભંડાર છો, એ તારું સ્વ છે અને એ સિવાય જે કાંઈ (રાગ, શરીર, પૈસા ઇત્યાદિ) છે તે સર્વ પર ચીજ છે. અહા! ધર્મી પુરુષો આમ જ માને છે.
ધર્મી કહે છે-જો આ રાગને હું મારો માનું તો તે રાગ મારું સ્વ થઈ જાય અને તો હું એનો જરૂર સ્વામી થઈ જાઉં. અને ‘અજીવનો જે સ્વામી (હોય) તે ખરેખર અજીવ જ હોય.’ જેમ ભેંસનો સ્વામી પાડો હોય, મનુષ્ય ન હોય તેમ અજીવનો સ્વામી અજીવ જ હોય, જીવ ન હોય.
શું કહ્યું એ? કે જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ જો હું આ અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં (આવી આપત્તિ આવી પડે). અહા! પ્રભુ! એણે કોઈ દિ’ આ સાંભળ્યું જ નથી. પાંચ-દશ હજારનો મહિને પગાર મળે ને કાંઈક કરોડ-બે કરોડ એકઠા થઈ જાય એટલે એને એમ થઈ જાય કે-ઓહોહો...! અમે મોટા થઈ ગયા! ધૂળમાંય મોટા થયા નથી સાંભળને. ભાઈ! તેં પર ચીજથી પોતાની મોટપ માની