૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એટલે પરનો સ્વામી થયો એટલે તું પરરૂપ-જડરૂપ થયો ને સ્વરૂપ-ચિદ્રૂપને ચૂકી ગયો, નિરાકુલ આનંદસ્વભાવને ચૂકી ગયો. પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ! ધર્મી તો પરભાવને ચૂકી જાય છે અને ચિદાનંદસ્વભાવને પોતાનો માને છે. અહો! તે અદ્ભુત અતીન્દ્રિય આનંદને પામે છે. આવો મારગ બાપા! ધર્મ આવો છે ભાઈ!
ભાઈ! આ તો દેવાધિદેવ અરિહંત પરમાત્માએ જે કહ્યું છે તે આ સંતો અહીં કહે છે. અહા! દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો જ્ઞાની ને આત્મધ્યાની સ્વરૂપમાં નિમગ્ન જાણે ‘ભગવાન’-સ્વરૂપ જ હતા. ભગવાનની વાણી પણ તેમને ભગવાનસ્વરૂપ જ કહે છે. ‘ભગવાન શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ’-એમ ષટ્ખંડાગમમાં શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિને ‘ભગવાન’ કહ્યા છે. અહા! જરી રાગનો ભાગ ન ગણો તો (ગૌણ કરો તો) તેઓ ખરેખર ભગવાન જ છે. શ્રી નિયમસારમાં (કળશ ૨પ૩ માં) આવે છે કે-અરેરે! આપણે જડબુદ્ધિ છીએ કે વીતરાગ પરમેશ્વર અને વીતરાગપણાને પામેલા મુનિવરો વચ્ચે ભેદ કરીએ છીએ મતલબ કે વીતરાગી મુનિવરો વીતરાગ પરમેશ્વર જેવા ભગવાનસ્વરૂપ જ છે. ત્યાં (નિયમસારમાં) પહેલાં એ વાત કરી કે મુનિને કંઈક રાગ છે એટલો ફેર છે. પણ પછી તે કાઢી નાખીને (ગૌણ કરીને) વીતરાગપણાની મુખ્યતાથી તેઓ ભગવાન જ છે એમ કહ્યું છે. અહો! મુનિવરો ભગવાન ભટ્ટારક મહા પૂજનીક છે. ભટ્ટારક એટલે કે સર્વજ્ઞસ્વભાવના અનુભવી અને અંદર આનંદનું પ્રચુર સ્વસંવેદન જેમને પ્રગટ થયું છે તે મુનિવરોને ભટ્ટારક કહેવામાં આવ્યા છે.
આવા મુનિવરો-સંતો અહીં કહે છે-અહો! હું જ્ઞાનસ્વભાવી આત્મા છું અને તે મારી ચીજ છે અર્થાત્ હું જ મારું સ્વ છું અને તેનો હું સ્વામી છું. મારા ચૈતન્યસ્વભાવથી ભિન્ન આ જે રાગાદિ ઉત્પન્ન થાય છે, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે ઉત્પન્ન થાય છે તે મારો નથી, હું તેનો સ્વામી નથી કેમકે તે અજીવ છે. (જો વિકલ્પ મારો હોય તો હું અજીવ થઈ જાઉં).
પણ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય પમાય છે ને? સમાધાનઃ– એમ નથી ભાઈ! વ્યવહારરત્નત્રય તો બાપુ! તેં અનંતવાર કર્યાં છે. નવમી ગ્રૈવેયક ગયો ત્યારે એવા નિશ્ચય વિનાના વ્યવહારાભાસ અનંતવાર કર્યા છે. ભાઈ! તેં દ્રવ્યલિંગ ધારીને પંચ મહાવ્રત ચોખ્ખાં પાળ્યાં, પ્રાણ જાય તોય ઉદ્દેશિક આહાર ન લીધો, નવમી ગ્રૈવેયક જાય એવી શુક્લલેશ્યા (શુક્લધ્યાન નહિ, શુક્લધ્યાન જુદું અને શુક્લ લેશ્યા જુદી છે. શુક્લલેશ્યા તો અભવીને પણ હોય છે) અનંતવાર કરી. પણ એથી શું? એ તો બધો રાગ હતો. ભાઈ! તું રાગથી ધર્મ થાય એવી માન્યતામાં રાગથી હઠયો નહિ અને તેથી તને અનંતકાળમાં પણ નિશ્ચય પ્રગટયો નહિ. છહઢાળામાં આવે છે ને કે-