આદિનું આલંબન રહેતું નથી. ત્યારપછી ‘णमो सिद्धाणं’-સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, ત્યાં પણ કોઈ આલંબન નથી. એ પ્રમાણે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપનો અભાવ જ છે.
હવે એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે.
આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે એટલે કે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને લીનતા કરી કહે છે કે-‘अस्मिन् सर्वङ्कषे धाम्नि अनुभवम् उपयाते’ આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં ‘नयश्रीः न उदयति’ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
શું કહે છે? શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે એનો વિષય ત્રિકાળી વસ્તુ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર તેજઃપુંજ છે. ભગવાન આત્મા ત્રણકાળ ત્રણલોકને જાણી શકે એવી શક્તિથી પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર વસ્તુ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે. શુદ્ધનય, સર્વ-ભેદોને-નવતત્ત્વના ભેદોને ગૌણ કરી એટલે અજીવ જે જડ છે તેનું લક્ષ છોડી, અંદર પુણ્ય-પાપ જે થાય છે તેનું લક્ષ છોડી, તથા સંવર, નિર્જરા, મોક્ષ જે (ધ્રુવની અપેક્ષા) બહિઃતત્ત્વ છે એનું પણ લક્ષ છોડી એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ આત્માને દેખે છે. અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્ત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધનય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદન થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત, ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા...! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્મા- આનંદકંદ ચૈતન્યચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નયવિકલ્પો ઉત્પન્ન થતા નથી.
કોઈ કહે આવો ધર્મ તે કઈ જાતનો? આ તે શું જૈનધર્મ છે? શું સર્વજ્ઞ પરમેશ્વરે આવું કહ્યું હશે? અત્યારસુધી તો બ્રહ્મચર્ય પાળવું, લીલોતરી ન ખાવી, કંદમૂળ ન ખાવાં, દયા પાળવી ઇત્યાદિને ધર્મ માનતા હતા.