ભાઈ, પરના ગ્રહણ-ત્યાગ આત્મામાં છે નહીં. પરનો ત્યાગ કર્યો એમ માનવું એ મિથ્યાત્વ છે મેં બધું છોડી દીધું એવું અભિમાન (માન્યતા) એ પણ મિથ્યાત્વ છે. અને એવા લોકોને ત્યાગી માને એ બધા મિથ્યાદ્રષ્ટિ છે. કેમકે પરવસ્તુને આત્માએ ગ્રહી નથી તો છોડે કયાંથી? પર ચીજ-શરીર, મન, વાણી, સ્ત્રી, પુત્ર, સંપત્તિ, દેશ ઇત્યાદિનું ગ્રહણ કર્યું હોય તો ત્યાગ હોય. પણ એનું ગ્રહણ કર્યું જ નથી ને. હા, પર્યાયમાં વિકારને અજ્ઞાનભાવ વડે ગ્રહણ કીધો છે. એનો ત્યાગ એ પણ કથનમાત્ર છે. રાગના ત્યાગનો કર્તા માનવો એ વ્યવહાર કથનમાત્ર છે. પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી. સમયસાર ગાથા ૩૪ માં આવે છે કે-પરમાર્થે પરભાવના ત્યાગનો કર્તા આત્મા નથી. આત્મા તો ચૈતન્યચમત્કાર-માત્ર તેજઃપુંજ છે. તેમાં રાગ છે અને એને છોડવો એવું છે નહીં. રાગ પરવસ્તુ છે, તેથી રાગને છોડવો એ પણ નથી. બહુ ઝીણું પડે એટલે કહે આ તો નિશ્ચયની વાતો છે, પણ આ તો વસ્તુસ્વરૂપનો ભગવાનનો કહેલો માર્ગ છે.
ભગવાનની વાણી સાંભળવા એકાવતારી ઇન્દ્રો આવે છે. સૌધર્મ-દેવલોક છે ને? તેનાં ૩૨ લાખ વિમાન હોય છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શક્રેન્દ્ર એકાવતારી હોય છે. તે એક ભવ કરી મોક્ષ જશે. અને એની હજારો ઇંદ્રાણી પૈકી જે મુખ્ય પટરાણી છે તે પણ એકાવતારી હોય છે. તે પણ ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. અહાહા...! તે જ્યારે સમોસરણમાં દિવ્યધ્વનિ સાંભળતા હશે, ગણધરો, મુનિવરો સાંભળતા હશે તે દિવ્યધ્વનિ-જિનવાણી કેવી હશે? દયા પાળો એવી વાત તો કુંભારે ય કહે છે. અહીં તો પરમેશ્વરની વાણી અનુસાર કહે છે કે પરની દયા તો આત્મા પાળી શકતો નથી, પરંતુ પરની દયાનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, એ આત્માની હિંસા છે. તથા પરની દયા પાળી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે.
આવો માર્ગ છે, ભગવાન! બધા આત્મા સ્વભાવે ભગવાન છે. એવા ભગવાન આત્માનો અનુભવ થતાં અનેક પ્રકારના નયવિકલ્પો ઉત્પન્ન થતા નથી, તથા ‘प्रमाणं अस्तं एति’ પ્રમાણ અસ્ત થઈ જાય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષ અને મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એવા વિકલ્પ અસ્ત પામી જાય છે. ‘अपि च’ અને ‘निक्षेपचक्रम् क्वचित् याति, न विद्मः’ નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે એ અમે જાણતા નથી. આત્માનુભવમાં નામ, સ્થાપનાદિ નિક્ષેપોના વિકલ્પો નાશ પામી જાય છે. ‘किम् अपरम् अभिदध्मः’ આથી અધિક શું કહીએ? ‘द्वैतम् एव न भाति’ દ્વૈત જ ભાસતું નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘન પરમ સામાન્યસ્વભાવ જીવવસ્તુનો અનુભવ થતાં બેપણું જ ભાસતું નથી. ગુણ-ગુણીનો ભેદ તો દૂર રહો, પણ આ અનુભવની પર્યાય અને જેને અનુભવે-જાણે તે આ ત્રિકાળી શુદ્ધ