આત્મા-એમ બેપણું જ ભાસતું નથી. અનુભવમાં એકપણે જે ચીજનો અનુભવ છે તે જ ભાસે છે. ઘણું સૂક્ષ્મ, ભાઈ. (ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે.)
ભેદનેઅત્યંત ગૌણ કરીને કહ્યું છે કે-પ્રમાણ-નયાદિ ભેદની તો વાત જ શી? ભેદને ગૌણ કરવો એટલે આ પર્યાય છે, આ દ્રવ્ય છે-એમ ભેદનું લક્ષ છોડી દેવું. પર્યાય નથી એમ પર્યાયનો અભાવ કરીને લક્ષ છોડી દેવું એમ નહીં, પણ પર્યાયને ગૌણ કરીને-પેટામાં રાખીને એનું લક્ષ છોડી દેવાની વાત છે.
ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની, પરમપારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધચૈતન્યઘન શાશ્વત એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે, પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દ્રષ્ટિ કરી ઝૂકે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે.
ભાઈ! તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો પર્યાયમાત્રને ગૌણ કરી અસત્યાર્થ કર. નિયમસાર ગાથા પ૦માં નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે, ગૌણ કરીને અસત્યાર્થ કહી છે; કેમકે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી એવી રીતે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. અહીં કહે છે-શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી જે આત્મા એનો અનુભવ થતાં દ્વૈત જ પ્રતિભાસતું નથી, પ્રમાણ, નય, નિક્ષેપની તો વાત જ શું? એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
આ સમજ્યા વિના વ્રત, તપ અને ભક્તિ આદિ બધું વર વિનાની જાન જેવું છે. આત્મા ‘વર’ જે મુખ્ય ચીજ છે તેને છોડી લોકો ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. એ ક્રિયાકાંડમાં બહારથી બીજા કરતાં વિશેષ દેખાય તો ઓ હો હો એમ એને મહિમા થઈ જાય છે. પણ પ્રભુ! એકવાર સત્ય શું છે એ સાંભળ તો ખરો. આ વીતરાગનો માર્ગ તો લોકો માને છે એનાથી જુદો અલૌકિક છે. કોઈની સાથે એની મેળવણી થઈ શકે તેમ નથી. ભગવાન સર્વજ્ઞ એમ ફરમાવે છે કે આ અખંડ આનંદસ્વરૂપ ચૈતન્યઘન જે વસ્તુ એમાં દ્રવ્યકર્મ અને રાગ તો નથી પણ જે વર્તમાન પર્યાય વસ્તુનો અનુભવ કરે છે તે પર્યાય પણ વસ્તુ-દ્રવ્યમાં નથી. પર્યાયમાં ત્રિકાળીનો અનુભવ થાય તોપણ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ (ત્રિકાળી) દ્રવ્યનું જ્ઞાન આવે છે. આવી અપૂર્વ વાત છે, ભાઈ! આવી એકરૂપ