૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમકિતી છે. તે બધા એમ માને છે કે-રાગ મારો નથી, શરીર મારું નથી; હું તો જ્ઞાતા જ છું. તેમને સમ્યક્ત્વ થયા પછી માંસાદિનો આહાર પણ હોતો નથી. તેમને તો સમુદ્રમાં હજાર જોજનના લાંબા ડોડા-કમળ થાય છે તેનો ખોરાક હોય છે.
ભગવાનનો જીવ જુઓને! ત્રિલોકનાથ ભગવાન મહાવીરનો જીવ દશમા ભવે સિંહ હતો. તે સિંહ હરણને થાપો મારીને ખાઈ રહ્યો હતો. ત્યાં આકાશમાંથી મુનિરાજ નીચે ઉતર્યા અને તે સિંહની સમીપ આવવા લાગ્યા. અહા! મને દૂરથી જોઈને મનુષ્ય ભાગી જાય એને બદલે આ મારી પાસે આવી રહ્યા છે! શું છે આ? એકદમ પરિણામમાં પલટો આવ્યો; તેના પરિણામ ફરી ગયા, કોમળ થયા.
તો શું એની કાળલબ્ધિ આવી ગઈ? કાળલબ્ધિ? પુરુષાર્થ કર્યો તે જ કાળલબ્ધિ; પુરુષાર્થ કરે છે ત્યારે કાળલબ્ધિ આવે જ છે.
પ્રશ્નઃ– પણ જુઓ, નિમિત્ત આવ્યું તો પુરુષાર્થ થયો ને? સમાધાનઃ– ના; એમ નથી. પુરુષાર્થ પોતાથી થયો છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત તો પર ચીજ છે; એનાથી શું થાય? પોતે અંદરમાં પોતાથી જાગૃત થયો તો મુનિરાજને નિમિત્ત કહેવામાં આવે છે.
સિંહના પરિણામ કોમળ થયેલા જોઈને મુનિરાજે કહ્યું-અરે સિંહ! તું આ શું કરે છે? ભગવાન શ્રી કેવળીએ કહ્યું છે કે-તારો જીવ દશમા ભવે ત્રણલોકનો નાથ તીર્થંકર થવાનો છે. ભગવાન! તું સાક્ષાત્ ભગવાન થવાનો છે ને! આ શું? આ સાંભળીને સિંહની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પરિણામ વિશેષ કોમળ થયા અને અંતરમાં સ્મરણ થયું. અહા! હું તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમબ્રહ્મસ્વરૂપ એક ચૈતન્યમય પરમાત્મદ્રવ્ય છું. અરે! આ શું? આમ ધ્યાન કરવાથી તે સિંહ સમ્યગ્દર્શન પામ્યો. હજી પેટમાં તો હરણનું માંસ પડયું છે તોપણ મુનિરાજની દિવ્ય દેશના પામીને અંતર્નિમગ્ન થઈ સમકિત પામ્યો. વિકલ્પથી-રાગથી હઠીને તત્ક્ષણ ભગવાન જ્ઞાયકમાં અંદર ઉતરી ગયો ને ધર્મ પામ્યો.
પ્રશ્નઃ– મુનિરાજે સિંહને જગાડયો ને? ઉત્તરઃ– ભાઈ! સિંહ જાગ્યો કે તેને જગાડયો? પોતે પોતાથી જાગ્યો તો મુનિરાજે જગાડયો એમ નિમિત્તથી કહેવાય છે. શું મુનિએ દેશના કરી માટે જાગ્યો છે? પોતે પોતાના ઉપાદાનથી જાગ્યો છે, દેશના તો નિમિત્તમાત્ર છે.
પ્રશ્નઃ– પણ મુનિરાજ આવ્યા ત્યારે જાગ્યો ને? ઉત્તરઃ– ભાઈ! એ વખતે જ જાગવાનો પોતાનો સ્વકાળ હતો માટે જાગ્યો છે.