૨પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.’ અહા! પરદ્રવ્યનું થવું હોય તે થાઓ, પણ તે મારી ચીજ છે એમ હું નહિ માનું. હું પરદ્રવ્યનું પરિગ્રહણ-પરદ્રવ્યમાં એકત્વબુદ્ધિ ત્રણકાળમાં નહિ કરું એમ કહે છે. અહા! સ્ત્રી હો, પુત્ર હો, પુત્રી હો કે ધન હો-તે કોઈ ચીજ મારી છે નહિ અને તે છેદાઓ, ભેદાઓ વા નાશ પામો તોપણ મને કાંઈ નથી અર્થાત્ તેથી મારામાં કાંઈ હાનિ નથી. અહા! આવી દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે ચારિત્ર તો કોઈ ઓર અલૌકિક ચીજ છે. ‘स्वरूपे चरणं चारित्रम्’ અહાહા...! સ્વરૂપનું ભાન થયા પછી સ્વરૂપમાં ચરવું- રમવું-ઠરવું તે ચારિત્ર છે. અહો! ચારિત્ર કોઈ અદ્ભુત અલૌકિક દશા છે! ભાઈ! આ નગ્નપણું કે પંચમહાવ્રતનો રાગ એ કાંઈ ચારિત્ર નથી. (તેને ઉપચારથી ચારિત્ર કહેવું એ જુદી વાત છે).
પ્રશ્નઃ– ચારિત્ર ગ્રહવા માટે કપડાં તો કાઢવાં પડે ને? સમાધાનઃ– કાઢવાં શું પડે? એ તો એને કારણે નીકળી જાય છે બાપુ! ‘કપડાં હું છોડું છું’ એ તો ત્યાં છે જ નહિ. ‘કપડાં હું છોડું છું’ એ તો માન્યતા જ મિથ્યા છે. શું કપડાં એનાં છે તે એ છોડે છે? અને શું તે કપડાં કાઢી શકે છે? કપડાંનું ઉતરવું પણ એના (કપડાંના) પોતાના કારણે થાય છે. ખૂબ ગંભીર વાત ભાઈ!
પ્રશ્નઃ– આ ટોપી પોતે (-આત્મા) સરખી પહેરી શકે છે કે નહિ? ઉત્તરઃ– એ તો કહ્યું ને કે પરમાં આત્મા કાંઈ ન કરી શકે એવો તે પંગુ છે. ટોપી શું પહેરે? ભાઈ! ટોપીનું સરખું પહેરવું જે થાય છે તે તેને (ટોપીને) કારણે થાય છે; તેના સ્વકાળે તે પર્યાય થવાવાળી છે તો થાય છે, પણ ટોપીની પર્યાય પોતે (-આત્મા) કરે છે એમ છે જ નહિ. બહુ આકરી વાત બાપા! વીતરાગનો મારગ બહુ અલૌકિક છે પ્રભુ!
અહીં કહે છે-‘હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું,’ કેમકે મારો તો ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પરિગ્રહ છે. એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું ને કે ‘જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.’ અહા! હું આનંદકંદ પ્રભુ આત્મા છું અને તે જ મારો પરિગ્રહ છે-આમ જ્ઞાની જાણે છે. આમ જાણતો તે પરદ્રવ્યને-સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ઝવેરાત આદિને પોતાની સાથે એકમેક કરતો નથી.
પ્રશ્નઃ– તો આ બધું-ઝવેરાત આદિ બધું-કયાં નાખવું? સમાધાનઃ– અરે ભાઈ! એ બધું કયાં તારું (-આત્માનું) છે? તો કોનું છે? બાપુ? એ તો જગતની જડ ચીજ માટી-ધૂળ છે અને તે ધૂળ ધૂળની-પુદ્ગલની છે.