૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જેને આત્મજ્ઞાન થયું છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જ્ઞાની છે એમ વાત છે. અહા! આવા જ્ઞાનીને પરવસ્તુના બગડવા-સુધરવાનો હરખ-શોક હોતો નથી. તેને કમજોરીથી રાગ આવે છે ખરો, પણ તે અસ્થિરતાનો દોષ છે શું કહ્યું? પરવસ્તુ-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ ઈત્યાદિ જે પરજ્ઞેય છે-તેના બગડવાથી દ્વેષ થવો કે તેના સુધરવાથી રાગ થવો-એવું જ્ઞાનીને છે નહિ. જ્ઞાનીને પોતાની પર્યાયમાં નબળાઈથી રાગદ્વેષ થાય છે તે દોષ છે એમ જાણે છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાથી તેને હરખશોક થાય છે એમ નથી. ન્યાય સમજણમાં આવ્યો? કે જે ચીજ પોતાની નથી તેના બગડવા-સુધરવાથી જ્ઞાનીને હરખ- શોક કેમ થાય? ન થાય. પરવસ્તુના બગડવા-સુધરવામાં જ્ઞાનીને કાંઈ નથી-હરખેય નથી, શોકેય નથી. આવી વાત છે.
પ્રશ્નઃ– પણ તેને રાગદ્વેષ તો થાય છે? સમ્યગ્દ્રષ્ટિને આર્તધ્યાન પણ થાય છે ને રૌદ્રધ્યાન પણ થાય છે?
સમાધાનઃ– ભાઈ! તે પોતાની કમજોરીના કારણે થાય છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાના કારણે નહિ. જેમ કોઈ હરિજનની ઝુંપડી બળતી હોય તો તેના કારણે શું ગામના શેઠને શોક થાય છે? ને તેની ઝુંપડી બહુ સારી હોય તો તેના કારણે શું શેઠને હર્ષ થાય છે? ના. કેમ? કેમકે એને પરની ઝુંપડીથી શું સંબંધ છે? તેમ આ શરીર પરની ઝુંપડી છે, લક્ષ્મી, કુટુંબ ઈત્યાદિ બધુંય પરની ઝુંપડી છે, જ્ઞાનનું જ્ઞેય છે. એનાથી જ્ઞાનીને શું સંબંધ છે? કાંઈ નહિ. તેથી તે પરવસ્તુ બગડતાં-સુધરતાં જ્ઞાનીને હર્ષ-વિષાદ થતો નથી. તથાપિ કોઈ જ્ઞાનમાં એમ જાણે કે એ બધી મારી ચીજ છે ને એના બગડવા- સુધરવાથી હર્ષ-વિષાદ પામે છે તો એ તો મિથ્યાદ્રષ્ટિ છે. પરચીજના બગડવા-સુધરવાથી મિથ્યાદ્રષ્ટિને હર્ષ-વિષાદ થાય છે, જ્ઞાનીને નહિ.
૨૦ વર્ષનો પુત્ર હોય ને જે દિવસે લગ્ન કર્યું હોય તે જ દિવસે અચાનક સર્પ કરડવાથી મરી જાય તો તેના કારણે જ્ઞાનીને શોક ન થાય ને સર્પ પર દ્વેષ પણ ન થાય. કમજોરીને લઈને કંઈક શોક થાય એ જુદી વાત છે. કમજોરીથી જ્ઞાનીને રાગદ્વેષ હોય તે બીજી વાત છે કેમકે એ તો ચારિત્રનો દોષ છે; પણ પરના બગડવા-સુધરવાથી મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ તેને હોતો નથી.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘इत्थं’ આ રીતે ‘समस्तम् एव परिग्रहम्’ સમસ્ત પરિગ્રહને ‘सामान्यतः’ સામાન્યતઃ ‘अपास्य’ છોડીને...