સમયસાર ગાથા-૨૦૯ ] [ ૨૬૧
શું કહ્યું? સામાન્યતઃ એટલે એકસાથે બધી ચીજ મારી નથી, રાગથી માંડીને જગતની બધી ચીજ મારી નથી, મારામાં નથી, એનું મને સ્વામીપણું નથી એમ પોતાના આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુના પરિગ્રહનો ત્યાગ કહ્યો. પહેલાં દ્રષ્ટિમાં ત્યાગ હોય છે હોં. તો કહે છે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને ‘अधुना’ હવે ‘स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं’ સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ‘भूयः’ ફરીને ‘तम् एव’ તેને જ (-પરિગ્રહને જ) ‘विशेषात्’ વિશેષતઃ ‘परिहर्तुम् प्रवृत्तः’ છોડવાને પ્રવૃત્ત થયો છે. અર્થાત્ સ્વપરની એકત્વબુદ્ધિ છોડવાના જેના ભાવ છે તે ફરીને તેને જ-પરિગ્રહને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. હવે એક એક ચીજનું નામ લઈને (આગળની ગાથામાં) કહેશે.
હવે બીજો અર્થ આમ છે- આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, ફરીને તેને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. અહાહા...! મૂળમાંથી જ પકડે છે. મિથ્યાત્વ ને અજ્ઞાનને છોડવાના જેના ભાવ છે તે ફરીને પણ તેને જ વિશેષપણે છોડવાને પ્રવૃત્ત થયો છે એમ કહે છે. હવે ગાથાઓમાં નામ લઈને જુદા-જુદા કહેશે.
‘સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.’ શું કહ્યું? કે જ્ઞાન ને આનંદસ્વરૂપ જે ભગવાન આત્મા તે સ્વ છે ને શરીરાદિ તથા રાગાદિ પર છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અહાહા...! છે? કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઘણું હો, પણ જો તેને સ્વ અને પરની એકતાબુદ્ધિ છે તો તે અજ્ઞાન છે. હવે કહે છે-
‘તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે.’
જુઓ, પહેલું પુણ્ય લીધું છે. જ્ઞાનીને ધર્મનો (-પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે. આમ વિશેષ કરીને પરિગ્રહને છોડે છે એમ હવેની ગાથાઓમાં આવશે.