Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2177 of 4199

 

૨૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

કહે છે-જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી. અહાહા...! જેને શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ પુણ્યને ઇચ્છતો નથી. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે આ પુણ્યનું ફળ (પૈસાદિ) નહીં, પણ પુણ્ય એટલે શુભભાવ. શુભભાવથી પુણ્ય બંધાય છે ને એના નિમિત્તે આ લક્ષ્મી આદિ મળે છે; પણ એની અહીં વાત નથી. અહીં તો શુભભાવને ધર્મી ઇચ્છતો નથી એમ વાત છે, કેમકે તે રાગ છે. અહા! આવી અજબ-ગજબ વાત છે! અજ્ઞાનીને બહુ આકરી પડે એવી છે; પણ છે કે નહિ શાસ્ત્રમાં?

પ્રશ્નઃ– તો જ્ઞાતા-દ્રષ્ટા બની રહો-એમ જ આપનું કહેવું છે ને? ઉત્તરઃ– હા, એમ જ વાત છે ભાઈ! તારો સ્વભાવ જ એવો છે પ્રભુ! ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટા તારો સ્વભાવ છે અને તે સ્વભાવનું પરિણમન થાય તે જ ધર્મ છે. ધર્મ થવામાં આ શરત છે કે-પુણ્યની પણ ઇચ્છા ન કરવી. આવો મારગ ભાઈ! વીતરાગ પરમેશ્વરે ફરમાવ્યો છે અને એ જ દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓ જગત પાસે પોકારીને જાહેર કરે છે. કહે છે-ધર્મી જીવ પુણ્યને ઇચ્છતો નથી. અર્થાત્ પુણ્યને પણ જે ઇચ્છતો નથી એવો ધર્મી હોય છે. અહા! ધર્મીને દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભભાવ હોય છે, અંદર સ્વરૂપમાં પૂરણ ઠરી શકે નહિ ત્યાં સુધી શુભભાવ આવે છે પણ તેને તે ઇચ્છતો નથી. (આવે છે ને ઇચ્છતો નથી અને ઇચ્છતો નથી ને આવે છે). આવી વાત છે.

હવે કહે છે-‘માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી’. જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી અર્થાત્ પુણ્યની પકડ નથી. એને પુણ્યભાવ હોય છે તોપણ એમાં એકત્વબુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી અને તેથી એને પુણ્યનો પરિગ્રહ નથી.

આ તો આપે આવો અર્થ કાઢયો છે? ભાઈ! આ તો મુનિરાજ-દિગંબર ભાવલિંગી સંત-આમ કહે છે બાપા! આવો જ માર્ગ છે ભગવાન! તેં કદી સાંભળ્‌યો ન હોય તેથી શું થયું?

વળી વિશેષ કહે છે કે-‘જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.’

જુઓ, પુણ્યભાવ છે તોપણ જ્ઞાની તેનો જાણવાવાળો જ છે. જ્ઞાની પુણ્યને કદીય ઇચ્છતો નથી. પુણ્યભાવ જ્ઞાનીને હોય છે, મુનિને પણ અંદર આનંદસ્વરૂપના ભાનમાં ન રહી શકે ત્યારે પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે પણ તેની એને ઇચ્છા હોતી નથી. તેના તો એ કેવળ જ્ઞાયક જ છે, જાણવાવાળો જ છે. પોતાને જેમ જાણે છે તેમ પુણ્યનો પણ જ્ઞાની તો જાણનાર જ રહે છે. આનું નામ ધર્મી ને સમ્યગ્દ્રષ્ટિ ને મુનિ કહેવામાં આવે છે.

[પ્રવચન નં. ૨૮૪ (શેષ)*દિનાંક ૬-૧-૭૭]