સમયસાર ગાથા-૨૧૦ ] [ ૨૬૩ છે. જ્ઞાનીને જે અસ્થિરતાની ઇચ્છા થાય છે તેને અહીં ગણી નથી અર્થાત્ ગૌણ કરી છે કેમકે તેને તો જ્ઞાની પરજ્ઞેય તરીકે માત્ર જાણે જ છે. અહીં કહે છે-ઇચ્છા એટલે મિથ્યાત્વ સહિતનો રાગ અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ અર્થાત્ મિથ્યાત્વ સહિતનો રાગ જ્ઞાનીને હોતો નથી. અહા! જેને અંદર ભગવાન આત્માની એકાગ્રતાની ભાવના પ્રગટ થઈ છે તે જ્ઞાની પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને છોડીને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા કેમ કરે? ન કરે. અહા! જેને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો છે તે નિજ આનંદકંદ પ્રભુ આત્માને છોડીને કોની ઇચ્છા કરે? (કોઈનીય ન કરે). લ્યો, આવી વાત! કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (અર્થાત્ જ્ઞાની પરની વાંછારહિત એવો નિઃકાંક્ષ છે). હવે કહે છે-
‘જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’ એટલે શું? એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા જે પોતાનો સ્વભાવ તે સ્વભાવમય જ પરિણામ તેને હોય છે અર્થાત્ તેને જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, વીતરાગતામય જ ભાવ હોય છે.
તો શું તેને રાગ હોતો જ નથી? ના, તેને અસ્થિરતાનો રાગ તો હોય છે પણ રાગનો રાગ તેને હોતો નથી અર્થાત્ રાગનું તેને સ્વામિત્વ નથી. જે રાગ હોય છે તેને તે માત્ર જાણે જ છે, બસ. તે પોતાના આત્માને જાણે છે અને પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે જ છે. ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’-એમ આવે છે ને બારમી ગાથામાં?-એ જ વાત અહીં કહેવી છે. અહો! શું અદ્ભુત શૈલી છે! દિગંબર સંતોની કોઈ અજબ શૈલી છે!
હવે કહે છે-‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી.’
અહીં ‘ધર્મ’ શબ્દે પુણ્ય કહેવું છે. ધર્મ એટલે આત્માનો ધર્મ-શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ-એ વાત અહીં નથી. અહીં તો ધર્મ એટલે પુણ્યભાવ, શુભભાવ. અહા! જ્ઞાની ધર્મને એટલે પુણ્યને-વ્યવહારને ઇચ્છતો નથી. શુભરાગને-દયા, દાન, વ્રતાદિને-જ્ઞાની ઇચ્છતો નથી. ગજબ વાત છે ભાઈ! અહો! વસ્તુના સ્વરૂપનું કથન કરનારી દિગંબર સંતોની વાણી ગજબ છે!
જુઓ, શુભરાગની જેને ઇચ્છા છે તે ધર્મી નથી, અજ્ઞાની છે કેમકે ધર્મી પુરુષો તો ધર્મ એટલે શુભરાગને ઇચ્છતો જ નથી. પુણ્યભાવની-વ્યવહારની જ્ઞાનીને ભાવના હોતી નથી, ચાહ હોતી નથી. બહુ આકરી વાત ભાઈ! પણ જુઓને! અહીં પહેલું જ ધર્મ એટલે પુણ્યથી ઉપડયું છે. અરે! પણ વ્યવહારની રુચિવાળા વ્યવહારમાં એવા ગરકાવ છે કે વ્યવહાર કરવા આડે નિશ્ચય સ્વરૂપની વાતથી પણ ભડકી ઉઠે છે. ભભકી ઉઠે છે. પણ શું થાય? અરે! પણ અત્યારે તો વ્યવહારનાં પણ કયાં ઠેકાણાં છે?