૨૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે પણ ચોથે ગુણસ્થાને જ્યાં ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થયું છે ત્યાં પણ ધર્મીને સ્વસંવેદનની-આત્મસ્વરૂપમાં એકાગ્રતાની જ ભાવના હોય છે. છતાં જ્ઞાનીને જે રાગ આવે છે, પાપભાવ થાય છે તે તેની કમજોરી છે. તે સમયે રાગની ઉત્પત્તિનું પરિણમન સ્વયં પોતાના ષટ્કારકથી થાય છે. ઝીણી વાત છે ભાઈ!
શું કહ્યું? કે જેમ પોતાના નિર્મળજ્ઞાનનું-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું-પર્યાયમાં ષટ્કારકરૂપે પરિણમન પોતાથી પોતામાં થાય છે તેમ રાગ જે થાય છે તે પણ, પોતે (- જ્ઞાની) કર્તા થયા સિવાય, પોતાના (-રાગના) ષટ્કારકના પરિણામ નથી સ્વતંત્ર થાય છે. અહા! એક પર્યાયના બે ભાગ! એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ને બીજી રાગની પર્યાય. જે સમયે પોતાથી-પોતાના કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન આદિ છ કારકના પરિણમનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્પન્ન થયું છે તે જ સમયે રાગની પણ ઉત્પત્તિ છે, પાપભાવની પણ ઉત્પત્તિ છે. જોકે આ પાપભાવ અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તોપણ જ્ઞાનીને તે મારો છે એમ તેનું સ્વામિત્વ નથી, ઇચ્છા નથી તેથી કહ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
‘જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.’ જ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વભાવનું- જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું પરિણમન છે ને? તેથી તેને જ્ઞાનમય એટલે વીતરાગતામય, આનંદમય પરિણમન જ હોય છે. તેને જે કિંચિત્ રાગ-પાપભાવ થાય છે તેને તે પોતાનાથી પૃથક્પણે માત્ર જાણે જ છે. અહા! જ્ઞાનીને તો પોતાના આત્માનું જ્ઞાન અને તે રાગનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહો! આચાર્યદેવે કોઈ અદ્ભુત શૈલીથી વાત કરી છે!
પ્રશ્નઃ– જ્ઞાનીને કર્મના ઉદયની બળજોરીથી રાગ આવે છે એમ કોઈ ઠેકાણે વાત આવે છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. વાસ્તવમાં તો પોતાની પર્યાયમાં કમજોરીથી વિકાર થાય છે અને તે જ સમયે જ્ઞાનીને જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું પરિણમન પણ હોય છે. (પુરુષાર્થની કમજોરીને ઉદયની બળજોરી કહેવી એ કથનપદ્ધતિ છે). આવો વીતરાગનો મારગ છે.
હવે કહે છે-‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી.’
શું કહ્યું? કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેનો અભાવ છે. તેને પાપભાવ મારો છે-એમ પાપમાં એકત્વનો અભાવ છે. અહાહા...! જ્ઞાનીને પાપની ભાવના નથી, ઇચ્છા નથી. પાપભાવ હો, પણ એમાં તેને મીઠાશ નથી, એકતાબુદ્ધિ નથી. તેથી જ્ઞાની પાપને ઇચ્છતો નથી. આવો વીતરાગનો મારગ અત્યારે તો સાંભળવા મળવોય દુર્લભ છે.