Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2183 of 4199

 

૨૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો જેમાં આત્મપ્રાપ્તિ થાય તેને ધર્મ કહ્યો છે. અહા! આવો ધર્મ જેને પ્રગટ થયો છે એવા જ્ઞાનીને અધર્મની-પાપભાવની પકડ હોતી નથી.

હવે કહે છે-‘જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.’

અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમય આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ-આવું જેને અંતરમાં એક જ્ઞાયકભાવના લક્ષે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે. અહીં કહે છે-એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા! પાપના જે ભાવ થાય તેનો તે જાણવાવાળો જ છે. કેમ? કેમકે તેને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે અર્થાત્ તે જ્ઞાયકભાવના સ્વભાવે પરિણમી રહ્યો છે. આવી વાત! ભાઈ! આ પૈસા-બૈસા તો જરી પુણ્ય હોય તો મળી જાય છે, વિશેષ બુદ્ધિ ન હોય તોપણ પુણ્ય હોય તો પૈસા મળી જાય છે પણ અંતર- પુરુષાર્થ વિના આત્મ-પ્રાપ્તિ કે ધર્મ થવો સંભવિત નથી.

પ્રશ્નઃ– પણ બુદ્ધિ હોય તો પૈસા ખૂબ મળે ને? ઉત્તરઃ– ભાઈ! બુદ્ધિ હોય તો જ પૈસા મળે છે એમ નથી, પુણ્ય હોય તો પૈસાના ઢગલા થઈ જાય છે. જુઓને! બહુ બુદ્ધિવાળાને માંડ બે હજારનો પગાર મેળવવામાં પસીનો ઉતરે છે જ્યારે બુદ્ધિના બારદાન, જડ જેવા મૂર્ખ હોય તે લાખો-કરોડો રૂપિયા કમાય છે. પણ એથી શું? પુણ્ય અને પુણ્યના ફળમાં શું છે? (એમાં ધર્મ નથી, સુખ નથી). અહીં કહે છે કે જ્ઞાનીને પુણ્ય-પાપની રુચિ નથી. તેને તો જ્ઞાનમય ભાવમાં એ પુણ્ય-પાપનું જ્ઞાન જ છે. અહો! અલૌકિક માર્ગ છે! વીતરાગનો માર્ગ ભાઈ! અંતર- પુરુષાર્થ કરે એવા શૂરવીરને જ પ્રાપ્ત થાય છે. બીજે આવે છે ને કે-

હરિનો રે મારગ છે શૂરાનો, એ નહિ કાયરનાં કામ જો ને.
તેમ
પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરનાં ત્યાં નહિ કામ જો ને.

અહા! પુણ્યમાં ધર્મ માનવાવાળા કાયર-નપુંસકોનું અહીં વીતરાગમાર્ગમાં કાંઈ સ્થાન નથી; તેઓ પંચમહાવ્રતાદિ પાળે તોપણ તેમને ધર્મ-પ્રાપ્તિ નથી.

અહીં કહે છે-જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા! ભાષા તો જુઓ! ‘કેવળ જ્ઞાયક જ’ છે-એમ એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે ને? તો એને જે વિષય-વાસના આદિ પાપભાવ આવે છે તેનો તે કેવળ જ્ઞાતા જ રહે છે. હવે આખો દિ’