સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૭૯ અપાર દુઃખો વેઠયાં તે યાદ કરું છું તો જાણે છાતીમાં આયુધના ઘા વાગે તેમ થઈ આવે છે. મુનિરાજ આમ યાદ કરીને અહા! સ્વરૂપમાં લીન થઈ જાય છે!! ધ્યાનમગ્ન થઈ જાય છે!!!
ભાઈ! તારા દુઃખનીય આ જ કહાની છે. અહીં કરોડપતિ હોય ને જો માયાની મમતામાં પડયા હોય તો દેહનો પડદો બંધ પડતાં મરીને તિર્યંચમાં જાય છે, ગલુડિયાં ને મીંદડાં થઈ જાય છે. અરે! આ અવતાર? હા ભાઈ! આવા અવતાર તેં અનંત-અનંત વાર કર્યા છે. ભગવાન! તું માતાના પેટમાં ઊંધા મસ્તકે બાર-બાર વર્ષ રહ્યો છું. નવ મહિના રહે છે એ તો સાધારણ છે. પણ કોઈ એક માતાના પેટમાં બાર વર્ષ ઊંધા માથે રહ્યો છું, અને પાછો મરીને બીજીવાર બાર વર્ષ માતાના પેટમાં રહ્યો છું. આમ માતાના પેટમાં ઉપરા-ઉપરી ૨૪ વર્ષ રહ્યો છું. અહા! અનંતકાળમાં આવા જન્મ અનંતવાર ધારણ કર્યા છે. ભગવાન! આ જન્મ-મરણના દુઃખની શી વાત! અને એકેન્દ્રિયાદિ અવસ્થાનાં દુઃખોનું શું કહેવું? એ તો વચનાતીત છે.
અહીં ધર્મી જીવ કહે છે-મને અનંતવાર શ્રોત્રેન્દ્રિય મળી તેને મારી માનીને મેં મમતા કરી ને તેને કારણે મિથ્યાત્વવશ હું ચારગતિમાં રખડયો છું. પણ હવે આ શ્રોત્રેન્દ્રિય મારી નથી એમ હું માનું છું કેમકે એ તો જડ પુદ્ગલની છે. જો તે મારી હોય તો તે મારી સાથે જ સદાય રહે. પણ એમ તો છે નહિ. માટે શ્રોત્રેન્દ્રિય મારી નથી. તેની હવે મને મમતા નથી, ઇચ્છા નથી. હું તો તેને માત્ર જાણું જ છું.
તેવી રીતે ચક્ષુઃ આ ચક્ષુ છે તે પણ જડ છે. આ ચક્ષુ મારી છે એમ ચક્ષુની ઇચ્છા કે મમતા જ્ઞાનીને હોતી નથી. અહા! હરણના જેવી ચકચક કરતી આંખો હોય તોય શું? કેમકે એ તો જડ માટી છે, ધૂળ છે. ભાઈ! આમાં (આ આંખમાં) તો એક વાર અગ્નિ લાગશે. જ્યારે દેહ છૂટશે ત્યારે એમાં અગ્નિના તણખા ઊઠશે અને તે બળીને ભસ્મ થઈ જશે. ભાઈ! આ આંખ તારી ચીજ નથી બાપુ! ધર્મી જીવ તો આંખ ને આંખથી જે ક્રિયા થાય છે તે પોતાની છે એમ સ્વીકારતો નથી. તેથી તેને આંખની ઇચ્છા નથી. તે તો ‘આ (બીજી ચીજ) છે’ એમ માત્ર જાણે છે. આવી વાત છે.
પ્રશ્નઃ– આ ચશ્માં છે તો આંખથી દેખાય છે ને? ઉત્તરઃ– ધૂળેય ચશ્માંથી દેખાતું નથી સાંભળને. ચશ્માંથી દેખાતું હોય તો આંધળા છે તેને ચશ્માં લગાવે ને? ભાઈ! એ તો તે તે સમયની જ્ઞાનની પર્યાય દેખે -જાણે છે. શું જડ આંખ કે ચશ્માં દેખે જાણે છે? નિમિત્તપ્રધાન દ્રષ્ટિવાળા મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે ચશ્માં હોય ત્યારે આંખે દેખાય છે. ભાઈ! પોતે જ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે અને તેને પોતાની જ્ઞાનપર્યાયથી જ્ઞાન થાય છે, આંખથી કે ચશ્માંથી નહિ.