૨૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઉપચાર છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-“ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે.” વળી ત્યાં જ કહ્યું છે કે-“નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.” અહા! ઉપચારથી બીજે કથન આવે છે પણ આ તો શુદ્ધનયનું-યથાર્થદ્રષ્ટિનું કથન છે એમ કહે છે.
પ્રશ્નઃ– અહીં ‘શુદ્ધનયની પ્રધાનતાથી’-એમ કેમ કહ્યું? ઉત્તરઃ– ભાઈ! યથાર્થનયની દ્રષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અશનની ઇચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે, છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીવે છે ઇત્યાદિ. પરંતુ એ તો ઉપચારનું-અસદ્ભુત વ્યવહારનયનું કથન છે. આવું પણ વ્યવહારથી કહી શકાય છે, બાકી વાસ્તવમાં તો તે અશનનો જ્ઞાયક જ છે.