સમયસાર ગાથા-૨૧૪ ] [ ૨૯પ વિકલ્પ મને સદાય રહેજો એમ વિકલ્પની તેમને ઇચ્છા નથી. આમ ચાર બોલ આવી ગયા. મુનિરાજને બીજું કાંઈ-વસ્ત્ર-પાત્ર-આદિ તો હોતાં નથી. અહા! જેને વસ્ત્ર-પાત્ર હોય તે તો મુનિ જ નથી. વસ્ત્ર-પાત્ર-સહિત મુનિપણું માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો પુણ્ય-પાપ ને આહાર-પાણીની મુનિરાજને ઇચ્છા નથી એમ ચાર બોલથી વાત કરી. હવે કહે છે કે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી.
‘ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી.’
જુઓ, આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો જડ છે જ, પરદ્રવ્ય છે જ. એથી વિશેષ અહીં વાત છે કે-અંદર જે અસંખ્યાત પ્રકારે શુભાશુભ ભાવ પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે કેમકે તે સ્વદ્રવ્યમય નથી. શું કીધું? કે જે શુભાશુભભાવના અસંખ્યાત પ્રકાર છે તે સર્વ પરદ્રવ્યસ્વભાવો છે અને તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી.
અહાહા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને આનંદમય સ્વાદ આવ્યો છે તેને તે નિરાકુળ આનંદના સ્વાદની જ ભાવના છે, તેને અન્ય કોઈ પણ વિકલ્પની ભાવના નથી. અહા! ધર્માત્માને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના લક્ષે થતા પરદ્રવ્યના ભાવની રુચિ નથી, તેનું તેને પોસાણ નથી. અહા! જેને અંતરમાં આનંદનો નાથ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા પોસાયો તેને પરદ્રવ્યના ભાવોનું પોસાણ નથી. કમજોરીને લઈને તેને કોઈ વિકલ્પ-રાગ થઈ જાય છે પણ તેને તે હેયબુદ્ધિએ માત્ર જાણે જ છે. હવે આવો મારગ બિચારાને સાંભળવાય મળે નહિ તે કે દિ’ વિચારે અને કે દિ’ પામે?
કહે છે-જે સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે તેને ધર્મી ઇચ્છતો નથી. અહા! મુનિરાજને વ્રત, તપ આદિના વિકલ્પ હોય છે, આહાર-પાણીનો વિકલ્પ હોય છે પણ તે વિકલ્પથી લાભ છે વા વિકલ્પ આશ્રય કરવાયોગ્ય છે એમ તે માનતા નથી. અહાહા...! અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્માના આનંદનો અંતરમાં જેને સ્વાદ આવ્યો તે (વિરસ એવા) વિકલ્પના સ્વાદને કેમ ઇચ્છે? ન ઇચ્છે. વિકલ્પના સ્વાદની મીઠાશ, પુણ્યના સ્વાદની મીઠાશ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો સમસ્ત પરદ્રવ્યના સ્વભાવોને ઇચ્છતો નથી અને તેથી તેને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, પકડ નથી. અહાહા...! રાગની એકતાની ગાંઠ જેણે ખોલી નાખી છે-તોડી નાખી છે, અને જેણે અંદર શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવની એકતા પ્રગટ કરી છે તે જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. આવી વાત!