સમયસાર ગાથા-૨૧૪ ] [ ૨૯૭ અહાહા...! ‘णिरालंबो’–એમ છે ને પાઠમાં? એટલે ‘અત્યંત નિષ્પરિગ્રહપણું’- એમ ટીકામાં કહ્યું. જ્ઞાનીને એક જ્ઞાયકસ્વભાવના આલંબન સિવાય અન્ય પરનું આલંબન છે નહિ તો તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહ્યું. ઝીણી વાત છે ભાઈ! અહા! દુનિયા અનાદિકાળથી દુઃખના પંથે પડેલી છે. તેને પોતાનું કાંઈ ભાન નથી અને બહારમાં માને કે અમે કાંઈક (ધર્મ) કરીએ છીએ. પણ એ તો અજ્ઞાન છે.
પ્રશ્નઃ– કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ તો થાય ને? ઉત્તરઃ– ધૂળેય ધર્મ ન થાય સાંભળને. પરની સેવાનો વિકલ્પ એ તો રાગ છે, પુણ્ય છે; ધર્મ નથી. વળી પરની સેવા કરવી-એવો જે અભિપ્રાય છે તથા તે વડે ધર્મ થાય એવો જે અભિપ્રાય છે એ મિથ્યા અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે અને એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્નઃ– હા, પણ પરની સેવા કરવી પણ ત્યાં કર્તાબુદ્ધિ ન રાખવી-એમ અભિપ્રાય કરી સેવા કરે તો?
ઉત્તરઃ– ભાઈ! પરની સેવા કરવી એ માન્યતા જ કર્તાબુદ્ધિની છે, અને એ જ મિથ્યાત્વ છે સૂક્ષ્મ વાત છે ભાઈ! (પરનું કરવું ને કર્તાબુદ્ધિ ન રાખવી એ બેને મેળ કયાં છે?) અહીં તો કહે છે કે રાગની સેવા કરે ને રાગમાં એકત્વ પામે તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્નઃ– તો પછી અમારે કરવું શું? ઉત્તરઃ– રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો-બસ આ જ કરવાનું છે. ભાઈ! આ મોટા શેઠીઆ-કરોડપતિ ને અબજોપતિ-બધાય ભિખારા છે કેમકે અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિરાજે છે તેનું એમને ભાન નથી. અહાહા... અનંતુ કેવળજ્ઞાન પ્રભુ તારામાં (સ્વભાવમાં) છે. પ્રગટ કેવળજ્ઞાન તો એક સમયની પર્યાય છે; પણ એવી તો અનંતી કેવળજ્ઞાનની શક્તિનો પ્રભુ! તું ભંડાર છો. આવી સ્વરૂપલક્ષ્મીને તું જુએ નહિ અને આ પુણ્ય અને પૈસાની તને આકાંક્ષા છે? મૂઢ છો કે શું? ભગવાન! એ તો નરક ને નિગોદમાં જવાનો પંથ છે. માટે ત્યાંથી પાછો વળ અને સ્વ-સ્વરૂપમાં નજર કર. આ જ કરવાનું છે.
અહીં કહે છે-ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે. પાઠમાં ‘सव्वत्थ णिरालंबो’–છે ને? અહાહા...! જેને વ્યવહારરત્નત્રયના રાગનું કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી તે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે-એમ કહે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપે બિરાજમાન છે; જ્ઞાનીને આવા નિજ સ્વરૂપનો જ પરિગ્રહ છે અને તેથી તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે.