૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ‘ભરત ઘરમાં વૈરાગી’-એમ આવે છે ને? જુઓ, ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને છ ખંડનું રાજ્ય હતું. છતાં અંદરમાં તેઓ મહા વૈરાગી હતા. બસ વૈરાગ્ય... વૈરાગ્ય... વૈરાગ્ય-એમ કે-મારી ચીજમાં આ કોઈ પર વસ્તુ નહિ અને પરમાં હું નહિ; બસ હું હુંમાં અને મને મારો જ (શુદ્ધ આત્માનો જ) પરિગ્રહ છે-આમ સ્વ-સ્વભાવના ગ્રહણ વડે તેઓ અત્યંત વૈરાગ્યભાવે પરિણમતા હતા. અહો! ધર્મી જીવનું અંતર- પરિણમન જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર હોય છે. અહા! સ્વ-સ્વરૂપના આચરણથી જેને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે ધર્માત્માને અત્યંત નિરાલંબનપણું છે, અત્યંત નિષ્પરિગ્રહપણું છે કેમકે તેને કોઈ પણ પરદ્રવ્ય કે પરદ્રવ્યોના ભાવોની પકડ નથી.
હવે કહે છે-‘હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.’
શું કહ્યું? કે આ જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઊઠે છે તેનાથી ભગવાન આત્મા શૂન્ય છે. આવા રાગરહિત વીતરાગસ્વભાવી ભગવાન આત્માનો જેને પરિગ્રહ છે તે સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી રહિત જ્ઞાની ધર્મી છે. અરે! બિચારા અજ્ઞાનીને મનુષ્યપણું તો અનંતવાર મળ્યું પણ આવી શુદ્ધ ચૈતન્યતત્ત્વની વાત એણે કદી સાંભળી નહિ! અહા ભગવાનના! સમોસરણમાં પણ અનંતવાર ગયો ને ત્યાં દિવ્યધ્વનિ પણ સાંભળી કે-‘ભગવાન! તું રાગથી ભિન્ન પરિપૂર્ણ એક વિજ્ઞાનઘનસ્વભાવી પ્રભુ આત્મા છો.’ પણ એણે એની રુચિ કરી નહિ અર્થાત્ ભગવાનની વાત સાંભળી નહિ. અહા! અનંતકાળમાં એણે રાગ કરવો ને રાગ ભોગવવો-બસ એ બે જ વાત સાંભળી છે અને એનો જ એને અનુભવ છે. ‘सुदपरिचिदाणुभूदा’–એમ ગાથા ચારમાં આવે છે ને? અરે! એણે કામ એટલે રાગની ઇચ્છા અને ભોગ એટલે રાગનું-ઝેરનું ભોગવવું -બસ આ બે જ વાત અનંતવાર સાંભળી છે. અહા! દયા, દાન આદિ પુણ્યના ભાવ કે જે ઝેર છે-તેને કરવા ને ભોગવવા એમ અજ્ઞાનીએ અનંતવાર સાંભળ્યું છે. એને ખબર નથી કે પુણ્યને પણ જ્ઞાની વિષ્ટા-મેલ જાણી તેને છોડી દે છે.
અહીં કહે છે કે ધર્મી જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આલંબન સિવાય પરમાં સર્વત્ર આલંબનરહિત છે અને તેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે. એટલે શું? કે રાગના જે વિકલ્પો ઊઠે છે તે સર્વ-‘આ મારું સ્વરૂપ નથી’-એમ જાણી ધર્મીએ તે સર્વને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે, કેમકે એ તો મેલ છે, ગુંગાનો સ્વાદ છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યનાં ફળ જે કરોડો ને અબજોની ધૂળ-સાહ્યબી એ તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ...? અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે સર્વત્ર નિરાલંબ છે અને તેણે ‘રાગ મારો છે’ એવું અજ્ઞાન છોડી દીધું છે.