સમયસાર ગાથા-૨૧૪ ] [ ૨૯૯
શું કીધું? વીતરાગસ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન આત્મા-અહાહા...! અકષાયરસથી-આનંદરસથી શોભતો પ્રભુ આત્મા પૂરણ વિજ્ઞાનઘન વસ્તુ છે. અહાહા...! આવા અનંત અનંત સ્વભાવના સામર્થ્યથી પરિપૂર્ણ પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે, બીજી કોઈ ચીજ મારી નથી એમ જાણીને સર્વત્ર નિરાલંબ છે અને તેને સમસ્ત અજ્ઞાન મટી ગયું છે. છે? ટીકામાં છે કે-જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો તે છે. આવી વાત! વમી નાખ્યું છે એટલે? જેમ કોઈ મનુષ્ય ભોજન જમીને વમી નાખે પછી તેને ફરી ગ્રહણ ન કરે, તેમ અહીં કહે છે- જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે અર્થાત્ જેણે રાગ મારો છે એવી દ્રષ્ટિ છોડી દીધી છે તે હવે ફરીને ‘રાગ મારો છે’- એવું અજ્ઞાન ગ્રહણ નહિ કરે. અહાહા...! જ્ઞાનીએ ‘રાગ મારો છે’-એવી દ્રષ્ટિ છોડી દીધી છે તે એવી છોડી છે કે ‘રાગ મારો છે’-એમ ફરીથી તે નહિ માને. આવી વાત! અહો! આચાર્યદેવે અંતરમાં રહેલા અપ્રતિહત ભાવને ખુલ્લો કર્યો છે. (મતલબ કે હવે અમને ફરીથી અજ્ઞાન નહિ થાય). હવે આવો મારગ! લોકો તો બિચારા દયા પાળવી ને દાન કરવું ને તપસ્યા કરવી -એમાં ધર્મ માની જિંદગી આખી ગાળી દે છે, પણ ભાઈ! એ રાગની ક્રિયા છે, ધર્મ નથી. અરે ભાઈ! હમણાં પણ આવું શુદ્ધ તત્ત્વ સમજમાં ન આવ્યું તો તારા પરિભ્રમણનો અંત નહિ આવે પ્રભુ!
અહીં કહે છે-‘જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો...’ અહાહા...! જ્ઞાનીને તો દરેક પ્રસંગમાં એક જ્ઞાયકભાવપણે જ રહેવું છે, એને પ્રસંગના સંગમાં જોડાવું જ નથી-એમ કહે છે. અહા! આવો-વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે! અહાહા...! હું તો જાણગ... જાણગ... જાણગ-એવો શાશ્વત એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એવું જેને અંતરમાં ભાન થયું છે તેને રાગાદિ પામર (ક્ષુલ્લક) વસ્તુની ઇચ્છા કેમ રહે? એ તો સર્વત્ર નિરાલંબ થયો થકો એક જ્ઞાયકભાવપણે જ રહે છે, બસ જાણું... જાણું... જાણું (કરું કાંઈ નહિ)-એમ જાણનારપણે જ રહે છે. બિચારા અજાણ્યા માણસને-નવો હોય તેને-એવું લાગે કે આવો ઉપદેશ? આ બધું (વ્રત, ભક્તિ આદિ) અમે કરીએ છીએ તે શું ખોટું છે?
ભાઈ! તું શું કરે છે? સાંભળને! તું તો માત્ર રાગ કરે છે. પરનું તો તું કાંઈ કરી શકતો નથી અને પર્યાયમાં જે રાગ કરે છે તે તો અજ્ઞાન છે, અધર્મ છે. ભાઈ! રાગની સાથે જે એકત્વ છે તે અજ્ઞાન છે. ધર્મીએ તો અજ્ઞાન વમી નાખ્યું છે અને તે સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. છે અંદર? સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માને અનુભવે છે. લ્યો, આવી વાત!