૩૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– હા, પણ તે બાધા તો નથી કરતા ને? સમાધાનઃ– ભાઈ! વર્તમાન (પ્રગટ મોક્ષમાર્ગમાં) બાધા નથી કરતા; તો પણ તે છે તો વિઘન (વિઘ્ન) રૂપ. વર્તમાનમાં જે રાગ આવ્યો છે તે બાધક નથી કેમકે જ્ઞાનધારા ને કર્મધારા બેય એકસાથે હોય છે; બેયને એકસાથે રહેવામાં વિરોધ નથી એ વાત તો આવી ગઈ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે વર્તમાન જેટલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થયા છે તે જ્ઞાનધારા છે અને તે જ કાળે જેટલો રાગ બાકી છે તેને નિમિત્ત તરીકે-આ બીજી ચીજ છે એમ-માત્ર જાણવામાં આવે છે; માટે વર્તમાન વિઘન (વિઘ્ન) નથી, છતાં જેટલી પર્યાય રોકાઈ ગઈ છે તેટલું તો વિઘન છે; કેમકે વર્તમાનમાં જેટલો રાગ છે તે છે તો દોષરૂપ. ભાઈ! વ્યવહારરત્નત્રય પણ દોષરૂપ જ છે. અહાહા...! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ ત્રણેયનું એકત્વ પરિણમન થવું તે સત્યાર્થ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે કાળે જે રાગ હોય છે તે તત્કાલ બાધક નથી તોપણ એ સ્વયં તો દોષરૂપ છે અને જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. સમજાણું કાંઈ...? અહા અજ્ઞાનીને તો એવું ઊંધું શલ્ય પડી ગયું છે કે-આ વ્યવહાર કરવાથી નિશ્ચય થશે, વ્યવહાર નિશ્ચયનું કારણ છે; પણ ભગવાનનો મારગ બહુ જુદો છે બાપા!
શું કીધું? કે સદાય પરમાત્મસ્વરૂપ એવા ભગવાન આત્માના આશ્રયે જે દર્શન- જ્ઞાન-ચારિત્રની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ ઉત્પન્ન થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. આવા ધર્મના આચરણથી જેને અંદર અતીન્દ્રિય આનંદની ભરતી આવી છે તે ધર્મી છે. આવા ધર્મી જીવની અહીં વાત ચાલે છે. કહે છે-ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે-અતીત, વર્તમાન ને ભવિષ્ય. હવે એ ત્રણમાંથી પ્રથમ અતીત ઉપભોગ તો વીતી ગયો છે, એટલે કે ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. માટે તે પરિગ્રહભાવને ધારતો નથી. શું કહ્યું? કે ભૂતકાળનો રાગ તો ચાલ્યો ગયો છે, માટે તે પરિગ્રહપણે વર્તમાન છે નહિ. આવી વાત! હવે કહે છે-
‘અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.’ જુઓ, ધર્મીને-કે જેને આનંદની દશા અંદર ઉત્પન્ન થઈ છે તેને-ભવિષ્યના કોઈ પણ ઉપભોગની વાંછા નથી. ભાઈ! ભવિષ્યના કોઈ રાગના કે વિષયના ભોગની વાંછા ધર્મીને હોતી નથી. અહાહા...! તેને તો એક નિરાકુલ આનંદના ઉપભોગની ભાવના હોય છે. બહુ ઝીણો ધર્મ પ્રભુ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ છે. તેના આશ્રયે જેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટ થયો છે તેને ધર્મ પ્રગટ થયો છે અને તે ધર્મી છે. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એમ આવે છે ને? એ તો દ્રવ્યસ્વભાવ હોં, પર્યાય નહિ. પર્યાયમાં તો સિદ્ધપદ ત્યારે પ્રગટે છે કે જ્યારે પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્માનો પરિપૂર્ણ આશ્રય સિદ્ધ (પ્રગટ) થાય છે.