Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 223 of 4199

 

૨૧૬ [ સમયસાર પ્રવચન

આ વાત લીધી છે કે-‘આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.’ ઉપરાંત સમયસાર ગાથા ૪૯ ના અવ્યક્તના પાંચમા બોલમાં પણ આવે છે કે- ‘વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.’ અહીં કહે છે કે આવો જે આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ પરમ-પારિણામિકસ્વભાવ તેને પ્રગટ કરતો શુદ્ધનય ઉદયરૂપ થાય છે.

તે (શુદ્ધનય) આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે?-‘परभावभिन्नम्’ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. જોયું? ‘પોતાના વિભાવો’ એમ શબ્દ લીધો છે. પરદ્રવ્યના નિમિત્તથી થતાં નૈમિત્તિક વિભાવભાવો એ કોઈ નિમિત્તથી થયા નથી નિમિત્ત તો નિમિત્તમાં છે અને પોતાની પર્યાય પોતામાં થાય છે પંચાસ્તિકાય ગાથા ૬૨ માં આવે છે કે-વિકાર થવામાં પરકારકની અપેક્ષા નથી. નિશ્ચયથી વિકાર પરની અપેક્ષા વિના થાય છે. અહીં જે કહ્યું કે ‘પરદ્રવ્યના નિમિત્તથી થવાવાળા’ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી નિશ્ચયથી વિકાર થાય છે પોતામાં પોતાની અપેક્ષાથી, પરકારકની એમાં અપેક્ષા છે જ નહિ. પરદ્રવ્યના નિમિત્તના સંબંધે પોતામાં યોગ્યતાથી પર્યાય થાય છે. પર્યાય થાય છે પોતાથી, પરથી નહીં. એ વિકારી પર્યાયથી પણ આત્મા ભિન્ન છે. અહીં ત્રણ વાત કહી પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ, પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવભાવો જે વિકારાદિ-તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધનય પ્રગટ કરે છે.

કોઈ પ્રશ્ન કરે કે ‘એવા પરભાવોથી’ એમ કહ્યું એમાં પર્યાય (વર્તમાન) આવે કે નહીં? સમાધાન એમ છે કે-પર્યાય છે તો દ્રવ્યથી ભિન્ન, પણ એ વાત અહીં નથી. ત્રિકાળીને વિષય કરનારી પર્યાય, કર્મ, કર્મનો ભાવ અને વિભાવથી ભિન્ન પડીને અંતરમાં દ્રવ્ય તરફ ઝુકે છે-ત્યારે એ પર્યાય આત્મસ્વભાવને પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે.

વળી તે, ‘आपूर्णम्’ આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે.

ત્રણ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગુણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે.