એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણ-શક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂર્ણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ તો કર્મસંયોગથી છે. શું કહ્યું? આ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળજ્ઞાનએ જે પર્યાયના ભેદો છે એ તો કર્મના નિમિત્તની અપેક્ષાથી છે. વસ્તુમાં (જ્ઞાન-સ્વભાવમાં) ભેદ નથી. શુદ્ધનયમાં કર્મ અને કર્મની અપેક્ષા ગૌણ છે. શુદ્ધનય તો એકમાત્ર પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ભાઈ! આ ચીજને સમજવી એ કોઈ અલૌકિક પુરુષાર્થ છે.
વળી તે, ‘आदि–अन्त–विमुक्तम्’ આત્મસ્વભાવને આદિઅંતથી રહિત પ્રગટ કરે છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ-અંત રહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. ‘છે’ એની આદિ શું? ‘છે’ એનો અંત શું? ‘છે’ એમાં અપૂર્ણતા શું? ‘છે’ એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે. શુદ્ધનય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવને પ્રગટ કરે છે. પારિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્ભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજસ્વભાવ. એકલો પરમ પારિણામિકસ્વભાવ- ભાવરસ જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ એવા અનંતરસનું જે અનાદિ- અનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. પરમાણુ જે પર્યાયવિનાનું (દ્રવ્ય) છે તેને પણ પારિણામિકભાવ કહે છે. અહીં તો જીવના જ્ઞાયક-ભાવરૂપ પારિણામિકની વાત છે. પર્યાય રહિત દ્રવ્ય એ પરમપારિણામિકભાવ છે. તેને શુદ્ધનય પ્રગટ કરે છે.
વળી તે, ‘एकम्’ આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. આત્મા અને પર્યાય એવા દ્વૈતભાવથી રહિત અભેદ એકાકાર પ્રગટ કરે છે. કોઈને લાગે કે વેદાંત જેવું તો નથી થઈ જતું ને? ભાઈ, વેદાંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે જ કયાં? અહીં તો શુદ્ધનય એકરૂપ ચૈતન્યપ્રકાશનો પુંજ જે પરમસ્વભાવભાવ તેને પ્રગટ કરે છે એમ વાત છે.
અને ‘विलान सङ्कल्प–विकल्प–जालं’ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે.