શુભરાગના વિકલ્પને પણ પોતાનો માનવો એ મિથ્યાત્વ છે. પુણ્ય-પાપના ભાવને શાસ્ત્રમાં પુદ્ગલના કહ્યા છે, કારણ કે એમાં ચેતનનો-જ્ઞાનનો અંશ નથી. રાગ ચૈતન્યના અભાવરૂપ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ પણ નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પમાં ભગવાન ચૈતન્યની જાતિ નથી, તેથી પુદ્ગલના કહ્યા છે.
અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડે છે એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર તો જ્ઞાન એકરૂપે રહીને પોતાને જાણે છે. એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ જાય છે એમ નથી; છતાં જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે. આવા સંકલ્પવિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણસ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધનય ઉદય પામે છે.