Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2264 of 4199

 

સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩પ૧ વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જેવું ભગવાન કેવળીએ કહ્યું છે તેને સમજવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે એમ વાત છે. આ તો ભગવાનના કાયદા છે ભાઈ!

અહા! પંચમ આરામાં અત્યારે અહીં ભરતમાં ભગવાનના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ, પણ કેવળીની આ વાણી રહી ગઈ. એ વાણીનો આ પોકાર છે કે- પ્રભુ! તું ભગવાન છો; પ્રત્યેક આત્મા નિશ્ચયથી ભગવાન-સ્વરૂપ જ છે. અહાહા...! નિશ્ચયથી આ શુદ્ધ (એક જ્ઞાયકભાવ) જે છે તે આત્મા છે, જ્યારે આ રાગાદિ છે એ તો આસ્રવ છે, અનેક દ્રવ્યસ્વભાવ છે, જીવસ્વભાવ નહિ. જ્યારે કર્મ આદિ છે તે અજીવ છે, આત્માથી ભિન્ન છે. આસ્રવભાવ પણ આત્માથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવતત્ત્વ રહે નહિ. માટે આસ્રવથી ભિન્ન આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ નિત્ય ભગવાનસ્વરૂપ જ છે. અહાહા...! ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી અને ‘વાન’ નામ સ્વરૂપ જેનું છે તેવો આત્મા નિશ્ચયે ભગવાન છે. અને તે આદરણીય છે. પર અરે! આ સાંભળીને અજ્ઞાની રાડ પાડે છે કે-અમે તે ભગવાન! પણ બાપુ! તું સાંભળ તો ખરો નાથ! જો તું અંદર ભગવાન નથી તો તારી ભગવાનની અવસ્થા પ્રગટશે કયાંથી? અંદર ભગવાન સ્વભાવમાંથી તે ઉત્પન્ન થશે, કાંઈ બહારમાંથી (રાગમાંથી) ઉત્પન્ન નહિ થાય. સમજાણું કાંઈ...?

આત્મા સ્વરૂપથી ભગવાન છે; માટે અમને તો સર્વ જીવ સાધર્મી છે. દ્રવ્ય તરીકે તો બધા આત્મા સાધર્મી છે. આ ‘सत्त्वेषु मैत्री’ નથી આવતું? ‘सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं’–એમ આવે છે ને? અહાહા...! સર્વ આત્મા સદા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. આ નારકી, તિર્યંચ, મનુષ્ય ઇત્યાદિ તો કર્મના નિમિત્તની ઉપાધિના બોલ છે. અને આ શુભાશુભભાવ-કર્તા-ભોક્તાપણાના ભાવ એ પણ કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે, અનેક દ્રવ્યના સ્વભાવ છે; એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપભૂત નથી; તેઓ કાંઈ જીવના સ્વરૂપભૂત નથી.

આત્મા એક જ્ઞાયકભાવ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે રાગાદિ ભાવો - કર્તા-ભોક્તાપણાના ભાવો નાના દ્રવ્યોના સ્વભાવ છે. પર સંયોગે ઉત્પન્ન થયેલા તેઓ પરસ્વભાવો-અનેક દ્રવ્યના સ્વભાવો છે, જુઓ છે અંદર? કે ‘નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી’-અર્થાત્ આ કારણે-‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’ લ્યો, જ્ઞાની કોને કહેવો એ પણ આમાં ખુલાસો કરી દીધો; કે ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની’ છે.

‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ’ એટલે? છઠ્ઠી ગાથામાં આચાર્ય કુંદકુંદે ‘એક જ્ઞાયકભાવ’ ના કહ્યો? કે-

‘ण वि होदि अपमत्तो ण पमत्तो जाणगो दु जो भावो’