સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૭૭ અનુભવ થતાં તેને બહારના રાગ ને રાગના ફળરૂપ સંયોગ તરફનું લક્ષ છૂટી ગયું. હવે તે જ્ઞાની થયો થકો, જેમ કીચડમાં પડયું હોવા છતાં કંચન કાદવથી લિપ્ત થતું નથી તેમ, તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લેપાતો નથી. ગજબ વાત છે ભાઈ! એ જ કહે છે કે-
‘તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.’
અહાહા...! શું કહ્યું? કે ‘જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ...’ એટલે શું? કે ધર્મી ઇન્દ્રના સુખના ભોગમાં હો કે ચક્રવર્તીના અપાર વૈભવમાં હો કે પછી અસંખ્ય પ્રકારની શુભરાગની ક્રિયાની મધ્યમાં હો તોપણ તે કર્મથી લેપાતો નથી, કારણ કે તે કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.
ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ સદા નિર્લેપસ્વભાવી છે. ધર્મીને પોતાની દ્રષ્ટિ નિરંતર સદા નિર્લેપસ્વભાવી આત્મા પર છે, તેની દ્રષ્ટિ રાગ પર નથી. તેથી તે અનેક રાગની ક્રિયાઓ મધ્યે હોવા છતાં કર્મથી લેપાતો નથી. આવી વાત સાંભળવા મળવીય મુશ્કેલ છે. લોકો તો બહારની હો-હા ને હરીફાઈ કરવામાં-ગજરથ કાઢવામાં ને પાંચ- પચીસ લાખ દાનમાં વાપરવામાં-ઇત્યાદિમાં ધર્મ થવાનું માને છે પણ ભાઈ! એમાં તો ધૂળેય ધર્મ નથી. તને ધર્મની ખબર જ નથી. વીતરાગ પરમેશ્વરે કહેલો ધર્મ તો નિજાનંદરસમાં લીન થતાં થાય છે અને ધર્મીને પોતાની દ્રષ્ટિ સદા શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર રહેલી હોય છે.
અહાહા...! કહે છે-‘જ્ઞાની’ ‘જ્ઞાની’ એટલે? કોઈ એમ માને કે બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની તો એમ વાત નથી. અહીં તો જ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યરસમાં-જ્ઞાનાનંદરસમાં લીન થઈ જે પ્રવર્તે છે તે જ્ઞાની છે. તેને જ્ઞાની કહો કે ધર્મી કહો-એક જ છે. અહાહા...! જેને અંતરમાં સ્વાનુભવરસ પ્રગટ થયો છે તે ચોથે ગુણસ્થાનકે વર્તતો જીવ જ્ઞાની છે, ધર્મી છે. અને તે સર્વ કર્મ મધ્યે-કર્મ નામ શુભ ક્રિયાકાંડ અને કર્મની સામગ્રી મધ્યે-રહ્યો હોય તોપણ તે કર્મથી લેપાતો નથી. અહાહા...! જેને અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ પ્રગટ થયો છે ને સર્વ રાગનો રસ ઊડી ગયો છે તે કર્મથી લેપાતો નથી એમ કહે છે. હવે આવી વ્યાખ્યામાં પોતાની માન્યતા (દુરભિનિવેશ) અનુસાર કાંઈ મળે નહિ એટલે કહે કે નવું કાઢયું છે, પણ બાપુ! આ કાંઈ નવું નથી, આ તો અનાદિનો મારગ જ આ છે. સમજાણું કાંઈ...? એક તો સંસારનાં કામમાંથી નવરો થાય નહિ અને કદાચિત્ નવરો પડે તો આવું